ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “वसुधैव कुटुम्बकम्” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ “ અવસર-પંચમ”

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવનો થયો રંગારંગ પ્રારંભ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “वसुधैव कुटुम्बकम्” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ “ અવસર-પંચમ” નો આજ રોજ ચાંપરડા ખાતે રંગારંગ પ્રારંભ થયો હતો. બે દિવસ ચાલનારા યુવક મહોત્સવમાં વિવિધ 38 કોલેજોના 750 જેટલા વિધાર્થીઓ અલગ અલગ 31 સ્પર્ધાઓમાં ભાગ લેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આશીર્વચન આપતા બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાંપરડાના મહંત મુક્તાનંદજી બાપુએ જણાવ્યું કે, સર્જનાત્મકતા, વ્યવહારિકતા, પ્રબળ પુરુષાર્થ તથા સંઘર્ષ કરવાની શક્તિ જ આજના યુવાનોનું સાચું ઘરેણું છે. જીંદગીમાં કદી નિરાશ ન થવું અને સંઘર્ષમય સ્થિતિમાં પણ અડગ રહીને કર્મ કરતા રહેવાથી ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થાય છે. તેમ જણાવતા તેમણે કહ્યું કે, શિસ્ત, સેવા, સંસ્કાર, સમાજોપયોગી શિક્ષણ તથા માનવસેવા થકી જીવનમાં સતત હકારાત્મકતા અને આનંદ છવાયેલા રહે છે.

અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના યુગમાં યુવાનોનું અનન્ય યોગદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાના 2047ના વિકસિત ભારતમાં ખાસ કરીને યુવાનોનું યોગદાન જ મહત્વનું રહેશે. દેશના યુવાધનને કારણે ભારત દેશ “વિશ્વગુરુ” તરીકે વધુ મજબૂતાઈ પ્રાપ્ત કરશે તેવું પણ કુલપતિશ્રીએ અંતમાં જણાવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, હાસ્યકલાકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત”માં જેમની તાજેતરમાં જ વિસ્તૃત નોંધ લીધી હતી તેવા ડૉ. જગદીશ ત્રિવેદીનું પણ ઉદઘાટન સમારંભમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ જગદીશ ત્રિવેદીએ પોતાના પ્રતિભાવમાં “નિરાશ થયા વગર સતત પ્રયત્ન સાથે દોડતા રહેવાની” વિધાર્થીઓને શીખ પણ આપી હતી.

ઉદઘાટન સમારંભ પહેલા સવારમાં પૂ. દાદાજી નિવાસ્થાનેથી પ્રાર્થના હોલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ચાંપરડા સુધી પચરંગી – વિશાળ કલાયાત્રા નીકળી હતી જેમાં વિજ્ઞાન-ટેકનોલોજી, દેશસેવા, સમાજસેવા, રાષ્ટ્રભાવના, સ્ત્રીસશક્તિકરણ વગેરેની થીમે ભારે આકર્ષણ જગાવ્યું હતું. ઉદઘાટન સમારોહ દરમ્યાન પ્રસિદ્ધ સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવીએ પણ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય રજૂ કરી વાતાવરણને પ્રફુલિત બનાવી દીધું હતું.

ઉદઘાટન સમારંભમાં યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. ડી. એચ. સુખડીયા, બ્રહ્માનંદ વિદ્યાધામ સંસ્થાના અધ્યક્ષશ્રી અર્જુનસિંહ રાઠોડ, યુનિવર્સિટીના પૂર્વ ઈ.સી. મેમ્બર ડૉ. જીવાભાઈ વાળા, અમુદાનભાઈ ગઢવી, શ્રી અજયભાઈ ગુડકા, શ્રી મુળુભાઈ કારેણા, દેવશંકરભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ઉદઘાટન સમારંભ દરમ્યાન યુનિવર્સિટીના કેલેન્ડરનું વિમોચન, ‘ગીરીનિર્જર’ મુખપત્રનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. જૈનમુનીશ્રી પૂજ્ય નમ્રમુનિના આશીર્વાદથી યુનિવર્સિટી ખાતે “ જૈન ચેર” તથા પ્રસિદ્ધ ઈતિહાસકારશ્રી ‘ શંભુપ્રસાદ દેસાઈ ચેર” શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. વિવિધ ચેરને કારણે વિધાર્થીલક્ષી, સંશોધનલક્ષી, શિક્ષણલક્ષી પ્રવૃતિઓમાં વેગ મળશે તેવું પણ કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. પ્રસિદ્ધ લેખકશ્રી જય વસાવડાએ પણ યુથફેસ્ટીવલને એક વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

પ્રાર્થનાથી શરૂ થયેલ સમાંરભમાં સ્વાગત પ્રવચનની સાથે યુવક મહોત્સવની રૂપરેખા યુવક મહોત્સવના સંયોજક પ્રો.(ડૉ.) વિશાલ જોષીએ આપી હતી તથા કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન પ્રો. રમેશભાઈ મહેતા અને પ્રિન્સીપાલ ડૉ. બલરામભાઈ ચાવડાએ કર્યું હતું. અંતમાં આભારવિધિ ડૉ. ઋષિરાજ ઉપાધ્યાયે કરી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.