ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને 'મા' સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

Agriculture News: પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક રળીને કૃષિકારો માટે પ્રેરણારૂપ બનતા રાજકોટના ખેડૂત

ખબરી ગુજરાત ગુજરાત

Agriculture News: ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને ‘મા’ સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ગરિમામય ધરતીમાતા આપણને બહોળા પ્રમાણમાં ફળ, ફૂલ, અનાજ, કઠોળ આપે છે. આપણા દેશમાં કૃષિનો વ્યવસાય પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ખેતીના આધુનિક યંત્રો અને આવિષ્કારો ન હતા ત્યારે પણ ખેતી સમૃદ્ધ હતી, તેનું મુખ્ય કારણ છે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી.

આ પણ વાંચો: મુંજકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય કક્ષાની દોડ માટે થયા પસંદ

તેથી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળે, એ માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આપણે વાત કરીએ રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કૃષ્ણરાજસિંહ જાડેજાની કે જેઓ પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક રળીને અન્ય કૃષિકારો માટે પ્રેરણારૂપ બન્યા છે.

આ પણ વાંચો: આરઆરસી જયપુરમાં 1646 પદો માટે ભરતી, જાણો અરજીની પ્રક્રિયા

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામમાં રહેતા કૃષ્ણરાજસિંહને બાળપણથી ગાય અને ખેતી માટે અનહદ આદર. તેથી, તેમણે નોકરીના બદલે ખેતીનો વ્યવસાય પસંદ કર્યો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેઓ કહે છે કે શરૂઆતમાં રાસાયણિક ખેતી કરવામાં ખૂબ ખર્ચ કર્યો, અતૂટ મહેનત કરી છતાં ખાસ કંઈ વળતર મળતું નહીં. ત્યારબાદ ગાય આધારિત ખેતીના કન્સેપ્ટનો અભ્યાસ કર્યો. ને સમજાયું કે ઓછા ખર્ચે પણ ખેતી થઈ શકે છે. અમારી પાસે ગોધન તો હતું પરંતુ પૂરતું માર્ગદર્શન ન હતું. એટલે સફળ ખેડૂતોની જિજ્ઞાસાપૂર્વક મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી ચાલુ કરી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કૃષ્ણરાજસિંહ પ્રાકૃતિક ખેતીના અનુભવ વિષે વિસ્તારપૂર્વક જણાવે છે કે અમે આઠ એકર જમીનમાં સંપુર્ણ પ્રાકૃતિક રીતે દૂધી, રીંગણા, ફલાવર, ડુંગળી, ટામેટાં, મકાઈ, ધાણા, મગફળી, તુવેર, દાડમ, અડદ, મગ, ચણા જેવા અનેક ઉત્પાદનો લઈએ છીએ.

છાણ, ગોળ, માટી, છાશ અને ગૌમૂત્રથી જીવામૃત બનાવી ખેતી કરવાથી પાક ખીલી ઊઠે છે. ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનની ગુણવત્તા સારી આવે છે. જમીનની ફળદ્રુપતા વધી છે ને માટી સુગંધીત બની છે.

પરિજનોના સ્વાસ્થ્ય સારા રહે છે. કારણકે ઋતુ પ્રમાણે શાકભાજી તથા રસોઈમાં વપરાતી જણસો જાતે ઉગાડીએ છીએ અથવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી લઈએ છીએ. તો વળી આ ઉત્પાદનનું સારા ભાવથી વેચાણ પણ કરીએ છીએ. આ રીતે જોઈએ તો મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતી અમારા માટે લાભદાયી સાબિત થઈ છે.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરતા તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે, એ તો ગેરસમજ છે. ખેડૂતો ક્યાં સુધી ઝેરી રસાયણયુક્ત ખાતર વાપરી જમીન અને જનઆરોગ્યને નુકસાન પહોંચાડશે?

માતા બાળકને ઉછેરે છે, તેમ જમીન પાકને ઉછેરે છે. તો કૃષિકારોની પણ નૈતિક ફરજ છે કે જમીનને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી સમસ્યાગ્રસ્ત કરવાને બદલે તેને પ્રાકૃતિક ખાતરના વપરાશથી ફળદ્રુપ બનાવવી જોઈએ.

ખેતીનો હુન્નર ધરાવતા ખેડૂતોએ શક્ય હોય તો જમીનને પ્રયોગશાળા બનાવવી જોઈએ. કારણ કે હવે ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતી કરીને પ્રકૃતિના જતનનો વખત આવી ગયો છે.

કૃષ્ણરાજસિંહ ભારત સરકાર અંતર્ગત ઓર્ગેનિક એફ.પી.ઓ. લોધીકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના ચેરમેન છે. કંપની સાથે જોડાયેલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત પાક લેવા ચિંતન-મનન કરે છે.

કંપની થકી દેશી શાકભાજી અને તેના બિયારણનું વેચાણ કરવામાં આવે છે. કંપનીએ બનાવેલા યાંત્રિક ઓજાર પાવર ટીલર મોંઘાદાટ ટ્રેક્ટરનો વિકલ્પ પૂરો પાડે છે. તેમણે અંતે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરનાર ધરતીપુત્રોને પ્રોત્સાહન પૂરું પાડે છે, આર્થિક સહાય કરે છે, રવિ કૃષિ મહોત્સવ જેવા આયોજન કરે છે.

‘બીજથી બજાર સુધી’ ખભેખભો મિલાવી સરકાર ધરતીપુત્રોને સહકાર પૂરો પાડે છે. જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ વધુમાં વધુ ખેડૂતો ખેતી કરવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અપનાવે, તેવી મારી લાગણી છે. અને પ્રાકૃતિક ખેતીની આહલેકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સહભાગી બનવાની ખેડૂતોને મારી અપીલ છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.