લોકસભા ચૂંટણી : અભિનેતા ગોવિંદા જોડાયા શિવસેનામાં, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

ખબરી ગુજરાત ગુજરાત

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા મુખ્યમંત્રી શિંદેની પાર્ટી શિવસેનામાં ગુરૂવારે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. શિંદેએ ગોવિંદાને ખેસ પહેરાવ્યો હતો. પરિણામે હવે રાજકીય સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ઉદ્ધવ ઠાકરે (શિવસેના જૂથ) દ્વારા અમોલ કીર્તિકરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ગોવિંદા અગાઉ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા હતા

ગોવિંદા અગાઉ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા હતા. 2004થી 2009 સુધી સાંસદ રહી ચુક્યા છે. ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.

પાંચ તબક્કામાં મતદાન થશે

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો પર 5 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચોથા તબક્કાની ચૂંટણી 13 મેના રોજ યોજાશે. પાંચમા અને છેલ્લા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે.