પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રગતિશીલ ખેડૂતે મેળવ્યો જબરો નફો

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

ગુજરાત સરકાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતો જાગૃત થાય અને તે દિશામાં આગળ વધે તે માટે સતત કામગીરી કરાઇ રહી છે. ત્યારે કચ્છના મુંદરા તાલુકાના ભોરારાના જીવરાજભાઇ ગઢવી સરકારના માર્ગદર્શન તથા પ્રોત્સાહનથી પ્રેરિત થઇને પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાની 6 એકરમાં જમીનમાં બાગાયતી પાક અને શાકભાજીની ખેતી કરીને તગડો નફો મેળવી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં એક લાખ લોકોને અપાયા પૂરક પોષણના પેકેટ

જીવરાજભાઇ ગઢવી જણાવે છે કે, પહેલા અમે પરંપરાગત રોકડીયા પાકોનું વાવેતર કરતા હતા. જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતા. વર્ષ 2016માં પ્રાકૃતિક કૃષિની પ્રેરણા મળી હતી. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે. અત્યાર સુધી સરકારની આત્મા યોજના અંતર્ગત વિવિધ તાલીમો મેળવેલી છે.

પ્રાકૃતિક ખેતીમાં પાકના શ્રેષ્ઠ ઉત્પાદન માટે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા, મિશ્રપાક આયામોનો ઉપયોગ કરીએ છીએ. તથા રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક વિગેરે બનાવીને તેનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે. તથા ગોબર ગેસ સ્લરીનો પણ ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જાય છે. તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે. મજુરી ખર્ચ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે છે. પાકની ગુણવતા સારી હોતી નથી. પાણીની ગુણવતા બગડે છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. રાસાયણિક ખેતીમાં પાકને વધુ પિયતની જરૂર પડે છે.

જયારે પ્રાકૃતિક ખેતીમાં ફાયદા જ ફાયદા છે. હાલ આંબા, ખારેક, કેળાં, જામફળ, સીતાફળ, પપૈયાં, શાકભાજી વગેરે પાકોનું વાવેતર કરેલું છે.

પ્રાકૃતિક કૃષિમાં ગુણવક્તાયુક્ત પ્રાકૃતિક પેદાશના સારા ભાવ મળે છે .જમીન ફળદ્રુપ અને બંધારણ સુધરે છે આર્થિક રીતે સધ્ધર થવાય છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે. તથા જમીનનો ઓર્ગેનીક કાર્બન પણ વધ્યો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનું આચ્છાદાન કરવાથી જમીનની ભેજ ધારણશક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઈ જાય છે. જમીન અળસિયાના લીધે ભરભરી બની છે અને તેમાં વરસાદનું પાણી જમા થતું નથી જમીનમાં ઉતરી જાય છે.

આ પણ વાંચો : World Cup Final : અમદાવાદની પિચ પર ટીમ ઈન્ડિયાનુ રિપોર્ટ કાર્ડ

આમ, રાજયના અને કચ્છના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને ખુદના નફા સાથે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થયનો ખ્યાલ રાખીને આ દિશામાં વળે તેવી તેમણે અપીલ કરી હતી. તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજય સરકાર દ્વારા ભરવામાં આવતા પગલા સંદર્ભે જીવરાજભાઇએ આભાર વ્યકત કર્યો હતો તેમજ રાસાયણીક ખેતીની સામે પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ ખર્ચ ઘટવા સાથે તેમને વધતા નફા વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે પહેલા કુલ જમીન 6.60 એકરમાં કેમિકલના ઉપયોગથી ખેતીમાં 7 લાખ 46 હજાર હતી. જેમાં ખર્ચ, 3 લાખ 50 હજાર જ્યારે નફો 3 લાખ 96 હજાર હતો. પણ પ્રાકૃતિક ઉપયોગ બાદ ખર્ચ 2 લાખ અને નફો 5 લાખ 46 હજાર થઈ ગયો છે.