જલા એ માંગી માંગી ને ઘંટલો માંગ્યો

ગુજરાત ધર્મ

Shivangee R Khabri Media Gujarat

ધ્રાંગધ્રાના મહારાજા પ્રભાસ પાટણની યાત્રા કરવા પોતાના ૧૫૦ સવારો સાથે વીરપુરના પાદરથી નીકળ્યા. બાપા સવારી આડે ઊભા રહી ગયા અને હાથ જોડી મહારાજાને વિનંતી કરી કે, “બાપુ ! જૂનાગઢ છેટુ છે, રામનો પ્રસાદ લીધા સિવાય ન જવાય.”

આમ કહી મહારાજા સહિત બધા સવારોને એક સૂંડલામાંથી બે-બે લાડુ અને દોથા ભરી ગાંઠિયાનો પ્રસાદ આપવા માંડ્યા, છતાં સૂંડલા તો ભરેલા જ રહે છે. આ ચમત્કાર જોઈને મહારાજા જલારામ બાપાને હાથ જોડીને કહ્યું “માંગો ! માંગો ! શું આપું ?”

READ: જ્યાં અન્નના ટુકડાં ત્યાં હરિ ઢુકડા – જય જલિયાણ

બાપાએ હાથ જોડી કહ્યું, “બાપુ ! આમાં ચમત્કાર જેવું કાંઈ નથી, રામનો પ્રસાદ રામજીએ સૌને આપ્યો.”

મહારાજાએ કહ્યું, “ભગત ! એ સાચું કે રામનો પ્રસાદ છે પણ તમને કાંઈક આપ્યા વગર અહીંથી હવે જવાનો નથી.”

આવો આગ્રહ જોઈને બાપા બોલ્યા કે, ,”બાપુ ! શું માંગુ! રામનો પ્રતાપ છે. ઘંટીનો દળેલો લોટ પૂરો થતો નથી, દળણાં દળાવવાં પડે છે. આપના રાજમાં સારા પથ્થરોની ખાણો છે તો સારા ઘંટલા (ઘંટી) થાય તેવા પથ્થર કઢાવીને મોકલો.”

READ: જલારામ બાપા અડીખમ હતા અને રહેશે

મહારાજા સાહેબે કહ્યું, “અરે ભગત ! માંગ્યું માંગ્યું ને આ શું માંગ્યું! કઈ ગામ-ગરાસ માંગવો હતો ને !”

” બાપાએ કહ્યું, અમને સાધુ-સંતોને ગામ-ગરાસ ન હોય, ધરતીના ધણી ન થવાય, અમે તો રામનું ભજન કરીએ અને રામ આપે તે ટુકડો સૌને આપીએ.”

મહારાજા બાપાના ચરણે પ્રણામ કરી આગળ સીધાવ્યા ને જાત્રા કરી પાછા ધ્રાંગધ્રા આવ્યા. ઘંટલા માટે સારામાં સારા પથ્થરો કઢાવી વીરપુર જગ્યામાં મોકલાવ્યા અને ધ્રાંગધ્રાથી સારા કારીગરો મોકલાવી જગ્યામાં ઘંટલો ચાલુ કરાવ્યો. આ ઘંટલો બળદથી ચાલતો અને રોજનું દશ મણ દળણું દળાતું. આ ઘંટલો આજે પણ જગ્યામાં મોજૂદ છે.