શાકભાજી વેચતા મહિલા આજે એકતા નર્સરીમાં છે બોન્સાઈ આર્ટિસ્ટ

ખબરી ગુજરાત ગુજરાત

Bonsai Artist : ગોરા ગામમાં શાકભાજી વેચતા મહિલાની એક અધિકારી મુલાકાત થઈ. સામાન્ય વાતમાં જ અધિકારીએ એ મહિલાને પૂછ્યું કે, તમે નર્સરીમાં પ્રકૃતિ જતનનું કામ કરશો? શાકભાજી વેચતી મહિલાને વાત વાજબી લાગી અને તેમણે હા કહી. સખી મંડળના મારફત તેઓ એકતા નર્સરીમાં (Ekta Nursery) જોડાયા. થોડા સમયની વન વિભાગની તાલીમ બાદ તેઓ સરસ મજાના બોન્સાઈ બનાવતા શીખી ગયા, હવે તે બોન્સાઈ વાળા શારદાબેન તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો : “પ્રેગ્નેન્ટ કરો, લાખો કમાઓ”, જોબ ઓફરની હકીકત જાણીને ચક્રી ખાઈ જશો

શારદાબેન તડવીની બોન્સાઈ (Bonsai) ઉપર માસ્ટરીની કહાની રસપ્રદ છે. સામાન્ય અભ્યાસ બાદ પણ તેઓ પોતાની મહેનત અને લગનથી સરસ બોન્સાઈ બનાવતા શીખી ગયા છે. તેમણે અત્યાર સુધીમાં 3000થી વધુ બોન્સાઈ બનાવી એકતા નર્સરી (Ekta Nursery) ના માધ્યમથી વેચ્યા છે. એકતા નર્સરીએ આ આદિવાસી મહિલાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલુ એકતા નર્સરી, પર્યાવરણલક્ષી જાગૃતતા ફેલાવવાની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાની સાથે સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ કેન્દ્ર બન્યુ છે. જ્યાં 10 લાખથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે. અહીં આવનાર મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’ નામે એક રોપો લઇ જાય.

એકતા નર્સરીમાં સ્થાનિક બહેનોને રોજગાર પુરી પાડવા માટે રાજ્ય સરકારના વન વિભાગની મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામની 40 બહેનો એકતા નર્સરી સખી મંડળમા એક જૂથમા કામ કરે છે. આ બહેનોનું મંડળ 40 પ્રકારના વિવિધ કાર્ય કરે છે અને દરેક કાર્યની અલગ વિશિષ્ટતા છે. આ મંડળ થકી શારદાબેન તડવી છેલ્લા ચાર વર્ષથી બોન્સાઈ બનાવીને તેનું વેચાણ કરે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બોન્સાઈ ઉછેર માટે ધીરજ અને વૃક્ષપ્રેમ જરૂરી

એકતા નર્સરીમાં તેઓ બોન્સાઈ બનાવવા માટે છોડની પસંદગી, કટિંગ, કોલમ, સેન્દ્રિય ખાતર, કૂંડા સહિતની પસંદગી કરી જતનથી વિરાટ વૃક્ષનું કદ વામન રહે તે રીતે ઉછેરે છે. પ્રકૃતિ પ્રેમીઓ સારી રીતે જાણે છે કે, એક બોન્સાઈ બનાવવામાં કેટલી વાર લાગે છે? બોન્સાઈનો ઉછેર ધીરજ અને ગહન વૃક્ષપ્રેમ માગી લે એવો છે.

પ્રવાસીઓને હિન્દી અને ગુજરાતીમાં આપે છે માહિતી

તેઓ જણાવે છે કે, મેં ધોરણ-9 સુધી જ અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં શાકભાજી વેચીને મારા પરિવારમાં આર્થિક મદદ કરી બાળકોના અભ્યાસમાં મદદરૂપ થતી હતી. જયારે મને વન વિભાગમાંથી તાલીમ મળી ત્યારબાદ હું એકતા નર્સરીમાં છેલ્લા ચાર વર્ષથી વિવિધ પ્રકારના બોન્સાઇ બનાવીને તેનું વેચાણ કરી રોજગારી મેળવી રહી છું. એકતા નર્સરીમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે આ બોન્સાઈ ભારે આકર્ષણ જગાવે છે. પ્રવાસીઓ તેમના ઘર, ઓફિસ, હોટેલ્સની સુંદરતામાં વધારો કરવા માટે બોન્સાઈની ખરીદી કરે છે. અહીં આવતા પ્રવાસીઓને ગુજરાતી અને હિંદી ભાષામાં બોન્સાઇ વિશે હું માહિતી પણ આપું છું.

મહિલા બોન્સાઇ દ્વારા 9 હજાર પ્રતિમાસ કમાય છે

શારદાબેને બોન્સાઈ વિશે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે, બોન્સાઈના છોડને બનાવતા વાર નથી લાગતી, પણ એ છોડને ઉછેરવામાં વાર લાગે છે. જેને પોતાની રીતે રચનાત્મક આકાર આપવાની સાથે મનપસંદ જગ્યાએ મુકી શકાય છે. ઘર આંગણે રોજગારી મળતા પ્રતિ માસ રૂપિયા 9 હજાર જેટલી આવક મેળવી રહી છું. શરૂઆતમાં લોકો મને શાકભાજી વાળી શારદાબેન તરીકે ઓળખતા હતા, આજે મને બોન્સાઇ શારદાબેન તરીકે ઓળખે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વડના ચાઇનીઝ બોન્સાઇની કિંમત 25 હજાર

એકતા નર્સરીમાં વિવિધ પ્રકારના બોન્સાઈ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેની કિંમત વૃક્ષના આયુષ્ય પ્રમાણે નક્કી થતી હોય છે. ડિસેમ્બર મહિનામાં રૂપિયા એક લાખ સુધીનું બોન્સાઈનું વેચાણ થયું છે. “ફાઈકસ” નામથી પ્રચલિત વડના ચાઈનીસ બોન્સાઇ કે જેની કિંમત રૂપિયા 25 હજાર છે, તેનું પણ ગત માસમાં વેચાણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પો ખાતે પણ બોન્સાઈને પ્રદર્શન માટે મુકવામા આવ્યા છે.

આ પણ વાંચો : કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન

બોન્સાઈ એટલે શું?

બોન્સાઇ એક જાપાની વૃક્ષ ઉછેર પદ્ધતિ છે. જેમ આપણે છોડ રોપીએ છીએ તો વૃક્ષો ઘટાદાર અને વિશાળ બને છે. પરંતુ અમુક છોડને વિશેષ પદ્ધતિથી ઉછેરવામાં આવે તો મહાકાય વૃક્ષનું કદ નાનુ રહે છે. આ એક જીવંત કલા છે જેને લોકો ઓફિસ, ઘરે, રેસ્ટોરાં કે મનગમતી જગ્યાએ પ્રદર્શિત કરી આકર્ષણ જગાવે છે.

બોન્સાઈ બનાવવાની રીત

બોન્સાઈ બનાવવા એક નાનો છોડ અથવા કલમ કરી તેમા મનપસંદ વૃક્ષોની ડાળીઓને કાપીને એક થડ સાથે જોડી શકાય છે. છોડ કે વૃક્ષની ડાળીને ત્રણ ઈંચથી માંડીને ત્રણ ફુટના કાપી, જેમાં માટી, કોકોપીટ અને પરલાઇટ ખાતરનું મિશ્રણ કરીને કુંડામા મુકવામા આવે છે. સમયની સાથે છોડ મોટા વૃક્ષ જેવો આકાર ધારણ કરે એટલે બે-ત્રણ વર્ષ પછી કુંડા અને માટીને બદલીને યોગ્ય રીતે માવજત કરે તો તે પેઢીઓ સુધી ટકી શકે છે, આ વૃક્ષ જેમ જૂનું થાય છે તેમ તેની સુંદરતા વધે છે અને આકર્ષિત લાગે છે.