સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, રિલાયન્સ અને મારુતિ સુઝુકીના શેરમાં તેજી

ખબરી ગુજરાત ગુજરાત

ભારતીય શેરબજારમાં બુધવારે શાનદાર તેજી જોવા મળી છે. રિલાયન્સ અને મારુતિ સુઝુકીના શેરમાં મજબૂત ઉછાળાના પગલે 500થી વધુ પોઈન્ટના વધારાના કારણે સેન્સેક્સ ફરી એકવાર 73,000ની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ સેન્સેક્સમાં ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે.

બજાર બંધ થવા સુધીમાં 526 પોઈન્ટના ઉછાળા સાથે 72,996 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 119 પોઈન્ટના ઉછાળા સાથે 22,124 પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્કિંગ અને એનર્જી શેર્સમાં ઉછાળાને કારણે બજારમાં તેજી જોવા મળી છે. આજના કારોબારમાં સ્મોલ કેપ શેરમાં પણ ખરીદી જોવા મળી હતી.

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી, મેટલ્સ અને મીડિયા શેરો લાલ નિશાને સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 383.85 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 382.52 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 1.33 લાખ કરોડનો વધારો થયો છે.