Positive Morning : 4 પ્રજ્ઞાચક્ષુ મિત્રોની સફળતાની કહાની

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat :

Positive Morning : કહેવાય છે, ને કે ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ એટલે કે ભગવાન પણ એની જ મદદ કરે છે કે જે સ્વયંની મદદ કરે. આજે આપણે એવા જ પ્રજ્ઞાચક્ષુ મિત્રો વિશે વાત કરવાની છે, જે શારિરીક રીતે સક્ષમ નહોવા છત્તા પોતાની ક્ષમત્તાનો પરિચય આપ્યો.

આ પણ વાંચો : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણ સ્થિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ શેલ્ટર હોમમાં રહેતા ચાર અંધજન મિત્રો સતત પ્રયત્નો અને પરિશ્રમ દ્વારા પેપર ફોઈલ બાઉલનો બિઝનેશ શરૂ કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યાં છે. જેઓ પેપર પ્લેટ ઓટોમેટિક મશીનની મદદથી પેપર ફોઈલ બાઉલનું ઉત્પાદન કરે છે, સાથે સાથે પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ, પેકેજિંગ પણ પોતે જ કરે છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

દાહોદના વરમખેડાના અલ્પેશ પટેલે શેલ્ટર હોમમાં થોડો સમય વિતાવ્યા બાદ તેના મિત્ર વિપિનભાઈ કાછરીયાને સાથે નાનો ધંધો શરૂ કર્યો હતો. થોડા સમય બાદ અલ્પેશભાઈને હેલ્પ ડિવાઈન ફાઉન્ડેશન દ્વારા વ્યવસાય કરવા માટે પેપર પ્લેટ ઓટોમેટિક મશીનની મદદ મળી. જેનાથી પેપર ફોઈલ બાઉલ બનાવવાનું કામ શરૂ થયું. ગ્રાહકોની વધતી માંગને કારણે અલ્પેશ તેના ત્રણ મિત્રો વિપિન કાછરીયા, અજય ગામીત અને મોહિત પટેલને મદદ માટે બોલાવે છે, જેઓ મૂળ ભાવનગર અને દાહોદના વતની છે.

અલ્પેશ પટેલ પોતાના બિઝનેસમાં પ્રોડક્શનનું કામ સંભાળે છે. તેઓ કહે છે કે, “પાંચ વર્ષ પહેલા એક અકસ્માતમાં આંખો ગુમાવી હતી. મેં B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે, અને એક વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ છે. દ્રષ્ટિ ગુમાવ્યા પછી ઘણી ખાનગી કંપનીઓમાં કામ કર્યું. જ્યાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમે શેલ્ટર હોમમાં જ ગ્રાહકોની માંગ મુજબ ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. નોકરી કરતા આ બિઝનેસમાં સારૂ વળતર મળે છે. અમે દર મહિને પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 7થી 10 હજારની કમાણી કરીએ છીએ.”

આ પણ વાંચો : Junagadh: સાસણ ગીરમાં સિંહ સદન ખાતે ‘Project Lion’ અંગેની બેઠક યોજાઈ

ભાવનગરના પ્રજ્ઞાચક્ષુ વિપિન કાછડિયા તેમના વ્યવસાયમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનનું કામ સંભાળે છે. તેઓ જણાવે છે કે દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મેં આઈ.ટી.આઈ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ખાનગી કંપનીઓમાં કામ કર્યું અને સરકારી વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ભાગ લીધો હતો. આટલી મુશ્કેલીઓ બાદ સુરતમાં બિઝનેસ શરૂ કરવાની તેની ઈચ્છા પૂરી થઈ છે. પ્રોડક્શનનું કામ વધી ગયું અને દાહોદથી મારા બે પ્રજ્ઞાચક્ષુ મિત્રો અજય ગામીત અને મોહિત પટેલને શેલ્ટર હોમમાં મદદ કરવા માટે બોલાવ્યા. અજય અને મોહિત પેકિંગનું કામ સંભાળે છે. હું માનું છું કે, આવનારા સમયમાં જો અમને ગ્રાહકો તરફથી પ્રોત્સાહક અને સારો પ્રતિસાદ મળશે તો અમારૂ કાર્ય અન્ય દસ લોકોને રોજગારી આપશે.

હેલ્પ ડિવાઈન ફાઉન્ડેશનના સ્થાપક તરૂણ મિશ્રા જણાવે છે કે, દિવ્યાંગ અને અંધજન લોકોને મદદ કરવાનું કારણ એ છે કે કોઈ તેમનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન કરી શકે. દિવ્યાંગજનો સ્વનિર્ભર બને અને લોકો લાચાર જીવન ન જીવે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ઉલ્લેખનીય છે, કે આજના દોડધામભર્યા યુગમાં આપણે દરરોજ અખબારો કે ટીવી ચેનલોમાં આપઘાતના સમાચાર વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. આ ચાર અંધજન મિત્રોની વાર્તા આજના યુવાનો માટે પ્રેરણાદાયી ફિલ્મની સ્ટોરીથી કમ નથી. આવા આત્મનિર્ભર લોકો આપણને શીખવે છે, કે મક્કમ મનોબળ અને સખત પરિશ્રમથી કોઈપણ મુશ્કેલીને દૂર કરી સપનાઓને સાકાર કરી શકાય છે.