Success Story : સરકારી નોકરી ન મળતા, સ્ટાર્ટઅપ શરૂ કર્યુ

ખબરી ગુજરાત ગુજરાત

Success Story : ઘણાં લોકો શિક્ષણ મેળવે છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે થાકી હારીને બેરોજગાર બની જાય છે. ત્યારે એક યુવાને સરાકરી યોજનાનો લાભનો લઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને આજે મહિને દોઢ લાખ રૂપિયો કમાઈ છે. ચાલો જાણીએ આ સાફલ્યગાથા વિશે..

આ પણ વાંચો : Jamnagar : બોરમાં ફસાયેલા 2 વર્ષના બાળકે આપી મોતને મ્હાત

Success Story : ગ્રેજ્યુએટ અને એગ્રીકલ્ચર ઈન ડિપ્લોમાની ડિગ્રી મેળવી ધરમપુર તાલુકાનો આદિવાસી યુવક પણ અન્ય યુવકોની જેમ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો પરંતુ સફળતા ન મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા (Startup India) અભિયાન અને દેશના યુવાનો આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) વિશે વાકેફ થતા પોતાનો ધંધો ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો અને તેને સાકાર કરવા માટે મુદ્રા યોજના કેવી રીતે ઉપયોગી નીવડી તે અંગેની કહાની જાણીએ ધરમપુરના કાકડકૂવા ગામના દાદરી ફળિયા ખાતે રહેતા 29 વર્ષીય યુવા લાભાર્થી પ્રદિપભાઈ બાવનભાઈ પટેલના શબ્દોમાં…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બી.એ. પૂર્ણ કર્યા બાદ વર્ષ 2018માં એગ્રીકલ્ચર ઈન ડિપ્લોમાની ડિગ્રી મેળવી વાંકલ ગામના એગ્રો સેન્ટરમાં 2 વર્ષ નોકરી કરી હતી પરંતુ પગાર ઓછો હતો. જેથી મે સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી, થોડા વર્ષો સુધી કેટલીક પરીક્ષાઓ આપી હતી પરંતુ નંબર ન લાગ્યો. કારણ કે, સરકારી નોકરીની એક જગ્યા સામે દસ હજારથી પણ વધુ ઉમેદવારો મેદાનમાં હોય છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ અભિયાન વિશે માહિતી મળી જેમાં ‘‘નોકરી શોધવા (જોબ સીકર્સ) ને બદલે નોકરી આપનાર (જોબ ગીવર્સ) બનીએ’’ એ વાતથી મને પ્રેરણા મળી જેથી મેં મનોમન સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યુ હતું. અમારા વિસ્તારમાં ખેતીવાડીનું પ્રમાણ વધુ હોવાથી એગ્રીકલ્ચરને લગતી પ્રોડક્ટ અંગે સ્ટાર્ટઅપ કરવાનું નક્કી કરી રૂ. 15 લાખની દુકાન ખરીદી. જે બચત હતી તે દુકાન ખરીદીમાં ખર્ચાઈ જતા બિઝનેસ ચાલુ કરવા માટે પૈસાની તંગી પડી હતી. આ સમયે મારા એક મિત્રએ મને પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) વિશે માહિતી આપી હતી. જેથી મારા સ્ટાર્ટઅપની શરૂઆતમાં આ યોજના મારા માટે વરદાનરૂપ સાબિત થઈ. મુદ્રા યોજના માટે કપરાડાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જઈ અરજી કરી હતી. જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ રૂ. 4,80,000ની લોન મંજૂર થઈ હતી, જેમાંથી 80 હજાર રૂપિયાની સબસિડી મળી હતી.

આ યોજનાનો પલ્સ પોઈન્ટ એ છે કે, આ યોજનામાં વ્યાજદર પણ ઓછો હોય છે. જેથી આર્થિક ભારણ રહેતુ નથી. મુદ્રા યોજના હેઠળ મળેલી લોનથી મારૂતિ એગ્રો સેન્ટર શરૂ કર્યુ હતું. જેમાં ખેતીવાડી માટે ઉપયોગી બિયારણ અને જંતુનાશક દવાનું વેચાણ શરૂ કર્યુ. જેનાથી આસપાસના ગામના ખેડૂતોએ હવે ધરમપુર, નાનાપોંઢા કે વલસાડ સુધી જવાની જરૂર રહેતી નથી. ઘર આંગણે જ તમામ પ્રોડક્ટ મળી રહે છે. હાલમાં મહિને રૂ. 1 લાખ થી દોઢ લાખ સુધીનું ટર્ન ઓવર થઈ રહ્યું છે જેમાંથી તમામ ખર્ચો બાદ કરી મહિને રૂ. 25 હજારથી 30 હજારની આવક મળી રહી છે. આગામી દિવસોમાં ખાતરનું પણ વેચાણ શરૂ કરી આ ટર્ન ઓવર રૂ. 5 લાખ સુધી લઈ જવાનું આયોજન છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ સાથે જ વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના આહવાનને પણ સહર્ષ ઝીલી લઈ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ડિજિટલી પેમેન્ટ કરતા થાય તે માટે ગુગલ પે, ફોન પે, પેટીએમ અથવા તો સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે તે માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આદિવાસી ખેડૂતો પણ ડિજિટલ પેમેન્ટ કરી ખરીદી કરી રહ્યા છે. આમ, મને આર્થિક રીતે પગભર બનાવવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના મારા માટે વરદાનરૂપ સાબિત થઈ છે જે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. અને અન્ય બેરોજગાર યુવાનોને પણ સરકારની અનેકવિધ યોજનાનો લાભ લઈ પગભર બનવા અનુરોધ કરુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધરમપુરના પ્રદિપ પટેલ જેવા અનેક યુવાનો આજે તેમના કૌશલ્ય અને ઈનોવેશનથી વિકસિત ગુજરાત- વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.