Kutch: આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 29.21 કરોડના ખર્ચે PPP ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને રૂ. 266 કરોડથી વધારેના કુલ 18 વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે.
સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનના બે દાયકાના સુશાસના વિકાસનું પરિણામ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજનો કાર્યક્રમ પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ બન્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજ્ય સરકાર તરફથી એસ.ટી નિગમને ભુજ બસ સ્ટેશનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેસન માટે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાયુક્ત બસપોર્ટમાં પ્રવાસીઓને અનેક આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પિત આધુનિક સુવિધા સાથેના બસપોર્ટમાં જનરલ વેઇટિંગ રૂમ, વી.આઇ.પી વેઇટિંગ રૂમ, લેડીઝ વેઇટિંગ રૂમ, ડ્રિકિંગ રૂમ, ટોઇલેટ બ્લોક( લેડીઝ, જેન્ટસ, હેન્ડીકેપ), ટૂરીઝમ ઇન્ફોર્મેશન રૂમ, ક્લોકરૂમ, પબ્લિક ઇન્કવાયરી રૂમ, બૂકિંગ રૂમ, કેન્ટીન, શોપિંગ મોલ, ડ્રાઇવર-કન્ડકટર રેસ્ટ રૂમ, ઓફિસર રેસ્ટ રૂમ, સીસીટીવી કેમેરા, વ્હીલ ચેર ફેસિલિટિઝ, વોલ્વો વેઈટિંગ રૂમ, સુપર માર્કેટ અને રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ, હોટેલ, સિનેમા હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાને એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ બનાવવાનો વિચાર આપ્યો હતો. ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઈકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે.
હાલમાં રાજ્યમાં 10 બસપોર્ટ કાર્યરત હતા આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે. ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના પ્રયત્નોથી કચ્છના પ્રથમ સરહદી ગામ કુરન સુધી પાણી પહોંચ્યું છે. વિકાસના કામોથી કચ્છવાસીઓના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે. ગુજરાતની વિકાસયાત્રામાં વડાપ્રધાને કચ્છને હંમેશા મોખરે રાખ્યું છે.
ભૂકંપના આઘાતમાંથી ફિનિક્સ પક્ષીની જેમ કચ્છને બેઠું કરવાનું કામ વડાપ્રધાને કર્યું હતું. અનેક વિશ્વકક્ષાના વિકાસના પ્રકલ્પોથી કચ્છ આજે દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિ અને કચ્છની પ્રજાના ખમીરના લીધે ધોરડો ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે. મુખ્યમંત્રીએ WTO દ્વારા ધોરડોને બેસ્ટ ટૂરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે તે અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઇ-શ્રમકાર્ડ સાથે રાશનકાર્ડ લીંક કરવા અપાઈ સૂચના
ધોરડો રણોત્સવ, નર્મદાના નીરનું અવતરણ, રિન્યુએબલ એનર્જી પાર્ક, ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં કચ્છ હંમેશા સુપર વાઈબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે.
વોચ ટાવર ઉપર કાયમી લાઈટ અને સાઉન્ડ શૉના ઉદ્ધાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની આગેવાનીમાં સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. ભારતને વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ આપીને વડાપ્રધાને દરેક નાગરિકમાં વિકસિત ભારત બનાવવા ઉત્સાહ પુરો પાડ્યો છે. વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સરકાર સતત વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ છે.
આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કચ્છની ભૂમિ પર આકાર લેતા ઊર્જા પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને તેને વડાપ્રધાનના વિઝનનું પરીણામ ગણાવ્યું હતું. ટૂરીઝમનો વિકાસ, નર્મદા નીરની પધારમણી, ઊર્જા પ્રકલ્પો તેમજ ઓદ્યોગિક દ્રષ્ટિએ કચ્છના વિકાસનો શ્રેય વડાપ્રધાનને આપતા તેમણે વર્તમાન સમયને કચ્છનો સુર્વણકાળ ગણાવ્યો હતો.
નાણાંમંત્રીએ રાજ્ય તથા કચ્છમાં વીજ વિભાગ હેઠળ થનારા વિકાસકામોનો ઉલ્લેખ કરીને તેના માટે ફાળવાયેલા કરોડો રૂપિયા માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નાણાંમંત્રીએ બિપરજોયમાં ઝીરો કેઝ્આલટીના લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના નાગરિકોને નવા આઇકોનિક બસપોર્ટના લોકાર્પણ અંગે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભુજનું આ બસપોર્ટ રાજ્યમાં દ્ર્ષ્ટાંતરૂપ છે. 25 હજાર મુસાફર નવા બસપોર્ટથી લાભાન્વિત થશે ત્યારે આ આધુનિક સુવિધાસભર બસપોર્ટ હંમેશા આવું જ બની રહે તે માટે સ્વચ્છતા જાળવવા ગૃહરાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ તકે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે સ્વાગત પ્રવચન કરીને રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકને પણ બસપોર્ટ ઉપર એરપોર્ટ જેવી સુવિધા મળી રહે તે માટે રાજ્યમાં પ્રથમ 15 આઇકોનિક બસપોર્ટ મંજૂર કર્યા હોવાનું જણાવીને ઉપસ્થિત મહાનુભાવોને અને નાગરિકોને આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભુજ બસપોર્ટનો શિલાન્યાસ વડાપ્રધાને કર્યો હતો. ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રીએ ભુજ બસપોર્ટ ખાતેથી રૂ. 59.07 કરોડના કુલ 08 કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં જેટકોના સાત 66 કેવી સબસ્ટેશન અને રામપર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે.
જ્યારે મુખ્યમંત્રીએ ભુજ બસપોર્ટ ખાતેથી રૂ. 178.56 કરોડના કુલ 10 વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ગાંધીધામ ખાતે મેજર બ્રિજ અને માઈનોર બ્રિજ, ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી આદિપુર રોડ, મુંદ્રાથી મુંદ્રા બંદર રોડ, હિલ ગાર્ડન ખાતે સ્પોર્ટસ સેન્ટર, કુરન ગામે ખાતે રિચાર્જ ટેન્ક, સામખીયાળી આધોઈ કંથકોટ રોડનું કામ, દયાપર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર ઓફિસ, દયાપર રેસ્ટ હાઉસનું નિર્માણ અને આડેસર લાખાગઢ રોડનું સ્ટ્રેન્ધનિંગના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ધારાસભ્ય સર્વે કેશુ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમ છાંગા, અનિરુદ્ધ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, દેવજી વરચંદ, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ગુજરાત એસટી નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ.એ. ગાંધી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.