અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે વિશેની A to Z માહિતી, જાણો ક્યાં સુધીમાં થશે કાર્યરત?

दिल्ली NCR ખબરી ગુજરાત ગુજરાત

સરકારનો સૌથી મહત્વકાંક્ષી અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું કામ જોરશોરથી શરૂ છે. પીએમ મોદી આજે 8 જુલાઈએ રાજસ્થાનના બિકાનેરમાં આ યોજનાનું ઉદ્ધાટન કરનાર છે. ભારતના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે આ દેશનો બીજો સૌથી મોટો એક્સપ્રેસ વે બનશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે 80 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. 4થી 6 લેન પહોળાઈનો આ હાઇવે ચાર રાજ્યોને જોડશે. અમૃતસર જામનગર એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1256 કિમી હશે, જે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાંથી પસાર થશે.

PIC-Social media

26 કલાકનું અંતર માત્ર 13 કલાકમાં કાપી શકાશે

જામનગર અમૃતસર એક્સપ્રેસ વેને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સાથે જોડવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દાવો કરે છે કે આ એક્સપ્રેસ વે કાર્યરત થયા પછી 26 કલાકનું અંતર માત્ર 13 કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

આ એક્સપ્રેસ વે ઈકોનોમિક કોરિડોર તરીકે ઓળખાશે

મહત્વાકાંક્ષી અમૃતસર-જામનગર એક્સપ્રેસવે ભારતના ઉત્તર પશ્ચિમમાં 4/6-લેન પહોળો, 1,257 કિમી લાંબો એક્સપ્રેસ વે છે. આ હાઇવે અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોર (EC-3) તરીકે પણ ઓળખાય છે. તે ભટિંડા, બાડમેર અને જામનગરની ત્રણ મોટી ઓઇલ રિફાઇનરીઓને જોડતો ભારતનો પ્રથમ એક્સપ્રેસવે હશે.

અમૃતસર જામનગર એક્સપ્રેસ વેનો રૂટ

અમૃતસર જામનગર એક્સપ્રેસવે પ્રોજેક્ટ દિલ્હી અમૃતસર એક્સપ્રેસ વે પર ટિબ્બા ગામ (કપુરથલા જિલ્લો)થી શરૂ થશે અને જામનગરમાં પૂર્ણ થશે. આ એક્સપ્રેસ વે ભટિંડા, ચૌટાલા, રાસીસર, દેવગઢ, સાંચોર , સાંતલપુર અને માળિયા જેવા શહેરોને જોડશે. અમૃતસર જામનગર એક્સપ્રેસ વેનું બાંધકામ આઠ તબક્કામાં વહેંચાયેલું છે.

ચાર રાજ્યો માટે આશિર્વાદરૂપ બનશે આ એક્સપ્રેસ વે

ઉલ્લેખનીય છે, કે છેલ્લા કેટલાય વર્ષોથી માર્ગ પરિવહન મામલે વ્યાપકરીતે વિકાસને વેગ મળી રહ્યો છે. ત્યારે આ એક્સપ્રેસ વે દ્વારા મુસાફરીના સમય અને અંતરમાં ઘટાડો થશે, મધ્ય અને ઉત્તર ભારત વચ્ચે આયાત-નિકાસની પ્રવૃતિને વેગ મળશે. તેની સાથે સાથે અમૃતસર જામનગર એક્સપ્રેસવે ભારત અને પાકિસ્તાનની સરહદોની નજીક બનાવવામાં આવી રહ્યો છે જેથી ભારતીય સૈન્ય માટે પણ ફાયદારૂપ બની રહેશે. સરહદો પર આવતા લશ્કરી થાણાઓ વચ્ચે કનેક્ટિવિટી વધુ સક્ષમ બનશે. ઉપરાંત ભટિંડા, બાડમેર અને જામનગરની ત્રણ મોટી રિફાઇનરીઓ સાથે એક્સપ્રેસવેની કનેક્ટિવિટીથી નજીકના વિસ્તારોના ઔદ્યોગિકીકરણ, વેપાર અને સામાજિક-આર્થિક વિકાસને ગતિ મળશે.

READ: khabrimedia, Latest News Gujarat-Top News Gujarat- Big news of Gujarat-Gujarati News-Updated News today-