દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

ખબરી ગુજરાત ગુજરાત

Gandhinagar : ગુજરાતમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી દરિયા કિનારે ચેર વૃક્ષનું જતન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેનું ફળ ગુજરાતને મળ્યું છે. ગુજરાત રાજ્ય પશ્ચિમ બંગાળ બાદ ચેરના વાવેતર અને સંરક્ષણ મામલે બીજા નંબરે છે.

આ પણ વાંચો – વિદ્યુત જામવાલનો આરોપ, ફિલ્મ વિશ્લેષકે માંગી લાંચ

PIC – Social Media

ગુજરાત ચેર વૃક્ષના વાવેતર‌ અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દેશભરમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધે અને તેનું સંરક્ષણ થાય તેવા લક્ષ્યાંક સાથે મિષ્ટી પ્રોજેક્ટ વર્ષ 2023-24 થી 5 વર્ષ માટે અમલમાં મુકાયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સહિત 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરાયા છે. જેમાં ગુજરાત ચેરના વૃક્ષોના જતન – સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. કચ્છના અબડાસા તાલુકામાં તા. 31-12-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ 2022-23માં 270 હેક્ટર તેમજ વર્ષ 2023-24માં 335 હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

તેઓએ કહ્યું કે, આ માટે અબડાસામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ 2022-23માં રૂ. 62.18 લાખ અને વર્ષ 2023-24માં રૂ. 96 લાખનો ખર્ચ ચેરના વૃક્ષોના વાવેતર માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત જુલાઈ 2023માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં દ્વારકા ખાતે અંદાજે 365 હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષો વાવવાનો પ્રારંભ કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિવિધ વિસ્તારમાં ઉદ્યોગ માટે ચેરના વૃક્ષો કાપવાની મંજૂરી પણ અન્ય સ્થાને ઉદ્યોગ દ્વારા ચાર ગણા નવા ચેરના વૃક્ષો ઉછેરવાની શરતે જ આપવામાં આવે છે, આ શરતનો અમલ કરાવવા માટે વન વિભાગ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવે છે. કચ્છના અબડાસા ઉપરાંત લખપત, અંજાર અને મુન્દ્રા ખાતે અંદાજે કુલ 600 ચો.કિ. મીમાં ચેરના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ માટે હજારો માનવ દિનની રોજગારી ઉપલબ્ધ થઈ છે. હાલમાં કેન્દ્રના મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વલસાડ અને ભરૂચના દરિયા કિનારે પણ ચેરના નવા વૃક્ષો ઉછેરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

ગુજરાતમાં ચેર વાવેતર યોજના, કેમ્પા વાવેતર અને ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા રેઈઝબેડ અને બીજ વાવેતર યોજના હેઠળ કુલ 1660 હેક્ટર વિસ્તારમાં 171.62 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે કુલ 96,436 માનવ દિનની રોજગારી ઉપલબ્ધ થઈ છે.