એસટી બસોમાં મુસાફરી કરતા લોકોને મળશે ખાસ સુવિધા

ખબરી ગુજરાત ગુજરાત

GPS in ST Buses: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

PIC – Social Media

GPS in ST Buses: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એવો જ એક નિર્ણય નિગમે તાજેતરમાં અમલમાં મૂક્યો છે, જે મુજબ નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તેના થકી નિગમને તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મળી રહે છે. જેથી બસોની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સુઆયોજિત રીતે કરી શકે છે. આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મુસાફરો અને બસોની સલામતીની ખરાઈ અને વ્યવસ્થા કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 સુધી ગુ.રા.મા.વા.વ્ય. નિગમને સંચાલનની રોજીંદી કામગીરી અને અસરકારકતા વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેમ કે સમગ્ર ફ્લીટનું ટ્રેકિંગ અને મોનિટરીંગ, શિડ્યૂલના સંચાલનનું નિરીક્ષણ, અવારનવાર અમુક વિસ્તારોમાં બસ ન પહોંચવાની કે બંધ થવાની ફરિયાદો વગેરે મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાતું ન હતું. આવી તમામ અસુવિધાઓના સમાધાન માટે ગુજરાત એસટી નિગમને કોઈ ખૂબ જ અસરકારક ટેક્નોલોજીકલ એડવાન્સ પ્રોજેક્ટ કરવાની જરૂર જણાઈ રહી હતી.

એસટી બસો જીપીએસથી સજ્જ

ઉપરોક્ત મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) પ્રસ્થાપિત કરવામાં આવી. જેના પ્રથમ તબક્કામાં 2400 બસોમાં, બીજા તબક્કામાં 2600 બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત 3300 બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રથમ તબક્કામાં 591 પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ 100 બસ સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. 16 ડિવિઝનલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં 1 સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી.

એક એપ્લિકેશનની મદદથી મળશે તમામ માહિતી

આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા અનઓથોરાઈઝ હોલ્ડ, બીજા કોઈ રૂટ પરથી મુસાફરી, ઓવર સ્પીડીંગ અને અમુક ટ્રીપોનું ડેપો કે કર્મચારીઓ દ્વારા સંચાલન ના કરવું વગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મેનેજમેન્ટ તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મેળવી પેરેલલ ઓપરેશન થતું હોય, કોઈ બે લોકેશન પર પણ વધારે ટ્રીપની ફ્રિકવન્સી હોય, વાસ્તવિક મુસાફરીનો સમય તથા ટ્રીપનું અંતર જાણી શકાય છે.

જૂની મુસાફરીઓના ડેટાનું એનાલિસિસ કરી વિવિધ પ્રકારના નિર્ણયો લઈ ટ્રાફિકની સમસ્યાઓ નિવારી શકાય છે અને પ્રોડક્ટિવિટી વધારી શકાય છે. આ પ્રોજેક્ટ દ્વારા બસોની. ટ્રીપની, શિડ્યૂલની સમયબદ્ધતા જાળવી શકાય છે તથા ઓપરેશનલ કોસ્ટ ઘટાડી શકાય છે. ઓવર સ્પીડ અને તેના કારણે થતા અકસ્માતની ઘટનાઓ ઘટાડી શકાય છે. પહેલા ગુ.રા.મા.વા.વ્ય. નિગમ પર જે ખોટા એક્સીડન્ટના કે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ્સ (MACT) ક્લેઈમ થતા હતા તેને પણ ઘટાડી શકાયા છે.

ડેપોમાં બેઠા બેઠા મુસાફરોને મળશે બસોની લાઇવ વિગતો

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના મુખ્ય ડેપો પર પ્લેટફોર્મ તથા પ્લેટફોર્મ પર લાગેલ પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમમાં ઓડિયો-વીડિયો દ્વારા પેસેન્જરોને બસોની લાઈવ અને ચોક્કસ વિગત મળી રહે છે, જેવી કે બસનો રૂટ, સર્વિસ ટાઈપ, આવવાનો અંદાજીત સમય, ઉપડવાનો અંદાજીત સમય, બસ નંબર, બસનું લાસ્ટ લોકેશન, પ્લેટફોર્મ નંબર વગેરે.

આમ, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમની લાઈવ અને ચોક્કસ વિગતના કારણે મુસાફરોના ભરોસામાં વધારો થયો છે. આ પ્રોજેક્ટની મોબાઈલ એપ્લિકેશન મુસાફરોને તેમના સમય અને સ્થળ પર મુસાફરી, બસ, રૂટ વગેરેને લગતી તમામ વિગત આપે છે. જેથી મુસાફરોને હવે મુસાફરીમાં સરળતા થઇ ગઇ છે.