Match Report: ભારતની જીત બીજા પણ મેચમાં અવિરત

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Khabri Media Gujarat

વર્લ્ડ કપ બાદ શરૂ થયેલી ટી-20 સિરીઝમાં ભારતીય યુવા ખેલાડીઓએ સતત બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રોમાં જોરદાર પ્રદર્શન કરીને ભારતે જીત મેળવી. શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ભારતીય બેટ્સમેન અને બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના કારણે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.

આ વિશાળ સ્કોર સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવર રમીને નવ વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

236 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને સ્ટીવ સ્મિથ અને મેથ્યુ શોર્ટે ઝડપી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને પ્રથમ બે ઓવરમાં સફળ રહ્યા હતા પરંતુ આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવેએ ત્રીજી ઓવરમાં બોલ રવિ બિશ્નોઈને સોંપ્યો હતો. રવિએ આ ઓવરના પાંચમા બોલ પર શોર્ટ (19)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર બેટ્સમેન જોશ ઈંગ્લિશ પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો.