હિંન્ડનબર્ગે ગૌતમ અદાણી ને ફકીર બનાવ્યા!!- ભરત વૈષ્ણવ

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત બિઝનેસ

આપણા ગુજુ ગૌતમભાઇની ગિરેબાન પર હાથ મુકનાર હિંન્ડનબર્ગ પર પર ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ કરોડ ડોલરનો માનહાનિનો દાવો ઠોકી દેશું!!

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

યઆજથી ચાર મહિના પહેલા.ગૌતમ અદાણી દુનિયાના 155.7 અબજ ડોલર (રૂ. 12.34 લાખ કરોડ) સાથે દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. હવે દુનિયાના ટોપ-10ની અબજપતિઓની યાદીમાં એલન મસ્ક પછી ગૌતમ અદાણી આવે છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીએ આ સ્થાન બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ પાડીને મેળવ્યું છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત ધનિક વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે આવીને ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જોકે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી આજે પણ ત્રીજા નંબરે છે.આ યાદીમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી 92.6 અબજ ડોલર સાથે આઠમા નંબરે હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આજથી ચાર મહિના લગભગ દિવાળી વગર દિવાળી હતી. આપણા ભારતીયોની છાતી ગજ ગજ ફૂલતી હતી. આપણે યુનોના જનરલ સેક્રેટરી બન્યા હોઇએ તેવો આનંદ. હરખ હવે તું હિન્દુસ્તાનીનો સ્પિરિટ !! મંગલ મંગલ મંગલ હોઓઓઓ!!મંગળ ગ્રહ પર પાંચ હજાર સ્કેવર ફૂટનો આપણો બંગલો હોય તેવી ફીલીંગ હતી. માની લઇએ કે બેગાની શાદીમાં અબ્દુલા દિવાના !! દુનિયાના અમીર સાથે હીંગ કે ફટકડી નથી કે વાટકી વ્યવહાર હોતો નથી. તેમ છતાં મુકેશ અંબાણી કે ગૌતમ અંબાણીના નામ આવે ભારતની પ્રજાને યુફોરિયા થયો હોય તેવો આનંદ આવે છે!! માનો કે અંબાણી તેમના વેવાઇ ન હોય!! પાડોશીને ધંધામાં એક લાખ રુપિયાનો ફાયદો થાય તો ખુશી વ્યકત ન કરે પણ એરંડિયું પીધું હોય તેવું મોં કરે !!!

આપણે વિદેશનું બધું સારું લાગે છે. ટાઇમ મેગેઝીન સાહેબના વખાણ કરે તો આપણને બાઇબલનો બોલ કુરાનની આયાત, ભગવદ્ગીતાનો કર્મયોગ લાગે છે. સરકારી તિજોરીમાંથી આભાર દર્શનની ઝૂંબેશ ચલાવીએ છીએ . થેંકયુ ટાઇમ વગેરે. પણ જો ટાઇમ મેગેઝિન સર્ફ પાવડરથી સાહેબની ધોલાઇ કરે તો?? મેગેઝિનની હોળી થાય. મેગેંઝિનનો જનાજો નીકળે. અમેરિકન દૂતાવાસ સામે ધરણા ,પ્રદર્શન, રેલી, ધિક્કાર રેલી, સ્વમાન રેલી, અપમાનનો જવાબ રેલી નીકળે. ટાઇમ રંગભેદી છે, ભારતદ્વેષી ભારત વિરોધી છે વગેરે પાણીમાંથી પોરા કાઢવામાં આવે!!

આ પણ વાંચો : Gujarat Budget 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ માટે કઈ કઈ જાહેરાત થઈ?

ગૌતમ શાંતિલાલ અદાણીનો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ ના રોજ થયેલ છે. તેની ઉંમર માત્ર એકસઠ વરસ છે. ગૌતમ અદાણી તેમના માતા-પિતા અને સાત ભાઈ-બહેન સાથે એક નાની ચાલીમાં રહેતા હતા. આજે એ જ અદાણીના બાળકો પ્રાઈવેટ જેટમાં ફરે છે ૧૯૮૮માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાય સંસાધનોને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.ફોર્બ્સના મત મુજબ જૂન ૨૦૨૧માં તેમના કુટુંબની કુલ સંપતિ અંદાજે ૭૮.૬ અબજ ડોલર છે.અદાણી પોર્ટ્સ ઍન્ડ સેઝ લિમિટેડમાં તેમનો શેર ફાળો ૬૬% છે. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૭૫%, અદાણી પાવરમાં ૭૩%, અને અદાણી ટ્રાન્સમીશનમાં તેમનો કુલ શેર ફાળો ૭૫% છે. ૨૦૦૬માં અદાણી જૂથે વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન તેમણે ક્વીન્સલૅન્ડમાં કોલસાની ખાણો તથા ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઇન્ટ પોર્ટનું અધિગ્રહણ કર્યું.અમદાવાદ એરપોર્ટ, મુંદ્રા પોર્ટ વગેરે સતા પક્ષની નજદીકીયાથી મળેલ છે!! તેરી મહેરબાનીયા!!યુધિષ્ઠિરના શ્વાનનું મોં એકલવ્યે બાણથી ભરી દીધું હતું. ગૌતમભાઇએ આ ટેકનિક અપનાવી ઉપરથી નીચે સુધી સૌના મુખ ઉપહારથી ભરી દીધા છે. પ્રોસીજરને તોડી મરોડી છે!!

તમે કબુલ કરશો કે ગૌતમભાઇના જીગરમાં પ્રગતિ કરવાની અદમ્ય, અકાટય અને અપ્રતિમ આગ હતી. ગૌતમભાઇમાં કશું કરવાની તમન્ના હતી. ગૌતમભાઇ આમીરખાનની જેમ પાપા કહેતે હૈ બડા નામ કરેગા બેટા હમારા કોઇ કામ કરેગા ગીત ગાતા હશે!!ગૌતમભાઇ ગમે તેટલા ઝાટકા મારે પણ શું વળે?? વાડ વિના વેલો ચડે. ગૌતમભાઇ એક વેલો હતા. વેલા પરોપજીવી હોય છે.વાડ વિના જમીન પર ફેલાય . પરંતુ, તેનાથી વેલો વધે નહીં!!વાડ કોણ છે અને વેલો કોણ છે ,એ સર્વવિદિત છે!! બંને વાડ છે અને બંને વેલા છે. જરૂરિયાત મુજબ રોલ બદલાય છે.

અરે રે. અરે રે. અરે રે. આ શું થઇ ગયું?કંસાર કરવા ગયા અને થુલી થઇ ગઇ. થાળી હતી તે વાટકો થઇ ગયો. લુંગી ફાડીને રૂમાલ થઇ ગયો. શુક્રવાર મુસ્લિમ બંધુ માટે બડી નમાજનો દિવસ હોય છે. આપણા માટે સંતોષી માનો શુક્રવાર હોય છે. સુપરમા દિવસે આંચકો? વગર ધરતીકંપે દસ રિચર સ્કેલનો ઝટકો!! હે ભગવાન આ શું થવા બેઠું છે? આ તો ભરશિયાળે માવઠા જેવું છે!!!

હિંન્ડનબર્ગ.આ નામ જર્મનીના કોઇ શહેર જેવું લાગે છે. છે. નાથન એન્ડરસનની કંપની ‘હિંડનબર્ગ’નું મુખ્ય કામ શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે. આ સંશોધન દ્વારા, ‘હિંડનબર્ગ’ કંપનીએ શોધી કાઢે છે.શું શેરબજારમાં નાણાંનો કોઈ દુરુપયોગ છે?શું મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે ખાતામાં ગેરવહીવટ કરી રહી છે?શું કોઈ કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં ખોટી રીતે દાવ લગાવીને અન્ય કંપનીઓના શેરને નુકસાન પહોંચાડી રહી છે?આ રીતે સંશોધન પૂર્ણ કર્યા પછી, ‘હિંડનબર્ગ’ કંપની વિગતવાર અહેવાલ પ્રકાશિત કરે છે. ઘણી વખત આ કંપનીના અહેવાલોની અસર વિશ્વભરના શેરબજાર પર જોવા મળી છે.
કંપનીનું નામ દુ:ખદ ‘હિંડનબર્ગ’ અકસ્માત બાદ રાખવામાં આવ્યું. વચ્ચેથી ફુલાયેલી સિગારના આકારના ગેસ બેગ જેવું દેખાતું જર્મનીનું પ્રખ્યાત પેસન્જર એરશિપ એલઝેડ 129 હિન્ડેનબર્ગ 6 મે 1937માં અકસ્માતનો ભોગ બન્યું હતું. એરશિપને અમેરિકાના ન્યૂજર્સી પાસે લેકહર્સ્ટ નેવલ એર સ્ટેશન પર ડોકિંગ વખતે અકસ્તાત નડ્યો હતો. આ અકસ્માતમાં 35 લોકોના કરૂણ મોત થયા હતા.

હિંન્ડનબર્ગે અદાણીના મજબૂત ગ્રોથને બ્રેક મારી દીધી છે.?અદાણાના કારના વ્હીલ ચરરર કરીને ચોંટી ગયા છે. હિન્ડેનબર્ગ મારેલી બ્રેકના લીધે ટાયર બળવાની વાસ આવી રહી છે.વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે તેમજ વૈશ્વિક સ્તરે રોકાણકારો, ફંડ હાઉસોમાં અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે રિપોર્ટમાં શું આવશે, દુનિયાના બીજા અવે ત્રીજા સૌથી અમીર શખ્સ રહી ચૂકેલા ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી અને તેમના અદાણી ગ્રુપની કંપની હાલમાં ચર્ચામાં છે. શેરબજારમાં ભારે વેચવાલીને કારણે ગૌતમ અદાણીની કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સમયમાં રાહતની કોઈ આશા નજર આવી રહી નથી. શેરબજારના એક્સપર્ટનું કહેવું છે કે, ગૌતમ અદાણીની કંપનીઓમાં હજુ વધુ વેચવાલી જોવા મળી શકે છે. ગૌતમ અદાણીની કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સ સાથે જોડાયેલા મામલો સામે આવી ચૂક્યો છે. આ કારણથી શેરબજારમાં નરમાઈ વધી શકે છે. હિંન્ડનબર્ગ્ મંગળવારે એક રિપોર્ટ જારી કર્યો હતો, તેમા અદાણીગ્રુપની કંપનીઓના ઋણ સાથે જ કંપનીઓના ઓવરવેલ્યૂડ થવા પર ચિંતા જતાવવામાં આવી હતી. ત્યારબાદથી અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓને કુલ 48 અબજ ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે. ગૌતમ અદાણી ગ્રુપની તરફથી આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવાયો છે. 106 પેજના હિંન્ડનબર્ગના રિપોર્ટ બાદ અમીરોની યાદીમાં 7મા ક્રમે ગૌતમ અદાણી
રિપોર્ટમાં મુખ્યત્વે 3 આરોપ લગાવાયા છે.અદાણી ગ્રુપના શેરોની કિંમત 85 ટકા વધુ છે,અદાણી ગ્રુપે હેરાફેરી કરીને શેરોના ભાવ વધાર્યા છે,અદાણી ગ્રુપ પર ₹2.20 લાખ કરોડનું ભારે ભરખમ ઋણ છે. હાલમાં ગૌતમ અદાણી અદાણી એન્ટરપ્રાઈઝિસના ₹20,000 કરોડના એફપીઓને લઈને ચર્ચામાં છે પરંતુ, હિન્ડેનબર્ગના 106 પાનાના રિપોર્ટે ગૌતમ અદાણીની સંપત્તિને $100 અબજની નીચે પહોંચાડી દીધી છે.

હિંન્ડનબર્ગે તેના અહેવાલમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર અકાઉન્ટિંગ ફ્રોડ, સ્ટોક મેન્યુપુલેશન અને કોર્પોરેટ ગવર્નન્સના અન્ય મુદ્દાઓથી સમજૂતિ કરવાના આરોપ લગાવ્યા છે. આ કંપનીએ જાણીજોઈને અદાણી ગ્રુપની કંપનીઓના શેર નીચે લાવવા માટે આ રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેનું કારણ એ છે કે અદાણી ગ્રુપની કંપનીઓ પર ‘હિંડનબર્ગ’એ ‘શોર્ટ પોઝિશન’ લીધી છે. ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓ પર આવેલા આ હિંન્ડનબર્ગના રિપોર્ટને કારણે ગૌતમ અદાણીની અંગત સંપત્તિ અને શેરધારકોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. ગૌતમ અદાણી ગ્રુપ પર અમેરિકાના એક શોર્ટ સેલર હિંન્ડનબર્ગ્ રિસર્ચે આરોપ લગાવ્યો છે કે, તે ઓફશોર ટેક્સ હેવન દેશોનો ફાયદો ઉઠાવીને પોતાનું કામકાજ કરે છે. ગૌતમ અદાણી તરફથી કાનૂની કાર્યવાહી કરવાની ધમકી બાદ પણ કંપની પોતાના રિપોર્ટ પર અડી રહી હતી. હિંન્ડનબર્ગે કહ્યું કે ગૌતમ અદાણી કોઈ કાનૂની કાર્યવાહી કરશે તો અમે તેના માટે તૈયાર છીએ

હિંન્ડનબર્ગના અહેવાલના લીધે અદાણીના શેરની કિંમત લગભગ રૂ. 4 લાખ કરોડ ઘટી અન્ય કેકાણકારોના અગિયાર લાખ કરોડ ધોવાઇ ગયા!!વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમભાઇને સાપસીડીની રમતનો અનુભવ થયો. ગૌતમભાઇ જગતના બીજા નંબરના ધનિક હતી. સાપ સીડીની રમતમાં હિંન્ડનબર્ગ રૂપી સાપના મુખમાં આવતા સાપની પૂંછડીને સાતમા નંબરે પછડાયા છે. હજુ વધુ ધકેલાય તો નવાઇ નહીં!!

આ મેગેઝિન ભારત વિરોધી અને રાષ્ટ્રદ્રોહી લાગે છે. (આપણા સાહેબના લાડકા મિત્ર વિશે એલફેલ લખ્યું છે.સાહેબનું કામ ગાંધીજી જેવું છે. મહાત્મા ગાંધીજીને ખુદના ચાર સંતાનો હતા .જમનાલાલ બજાજને પાંચમા માનસ પુત્ર ગણતા હતા. સારાભાઇ જેવા અમીર સાથે સંબંધ રાખતા હતા. છગન નફાને પુત્ર માનતા ન હતા. સાહેબ પણ અંબાણી, અદાણી, લલિત મોદી , નિરવભાઇ મોદી પર પુત્રવત સ્નેહ રાખે છે!! )છતાં ,આપણા મિડીયામાંથી પણ હિંન્ડનબર્ગે રચનાત્મક પ્રેરણા લીધી નથી. આપણું મિડીયા આરતી ઉતારવામાં એક નંબર છે!! એકતરફી અને ગૌતમભાઇને બ્લેકમેલ કરી તગડી રકમ મેળવવાના નાપાક ઇરાદાથી અનાપશનાપ લખી દીધું છે. ગૌતમભાઇ સજ્જન છે. ગૌતમભાઇ કદાચ માફ કરે પણ અમે માફ કરવાના મુડમાં નથી. ગૌતમભાઇ અમારા કુબેર છે. એના પર આંગળી ચિંધનારની આંગળી અને આંખ છીનવી લઇશું . હિન્ડેનબર્ગ પર ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ કરોડ ડોલરનો માનહાનિનો દાવો ઠોકી દેશું.!!પા રોટી ખાયેંગે ગૌતમ કી આબરું બચાયેંગે. વી વોન્ટ જસ્ટિસ!! હિંન્ડનબર્ગ તેરી તાનાશાહી નહી ચલેંગી, નહીં ચલેંગી! ભારતની એકસો પાંત્રીસ ( અરે ભાઇ જનતાની વાત કરૂં છું એકસો પાંત્રીસનો મસાલો ચોળતો નથી કે હાથ લંબાવીને આવી જાવ છો!!) કરોડ જનતા ગૌતમભાઇને ખર્ચે અને જોખમે હિંન્ડનબર્ગ કંપની સામે ધરણા કરીશું, પ્રદર્શન કરીશું . ઓ હિંન્ડનબર્ગ અમે ચૂડીઓ પહેરી નથી. અને ખાંડા ખખડાવીશું!!! આવાજ દો હમ એક હૈ. ગૌતમભાઇ આગે બઢો હમ તુમ્હારે આગે હૈ!!!
એક બાબત આશ્રર્યજનક છે.આ દેશે બે ગૌતમ જોયા.,એક ગૌતમ રાજાના સંતાન હતા.,ગૌતમ અંદાણી કરતા વધુ લકઝુરિયસ લેવીશ લાઇફસ્ટાઇલ હતા. કેટલાક રોગી દુખી જનોને જોઇને માનવજીવન બહેતર બનાવવા સંસારનો ત્યાગ કર્યો. તપશ્ચર્યા કરી અને ગૌતમ બુધ્ધ બન્યા. જ્યારે સાહેબની લાડકા ટટુ પૈસા ઉસેડવાની લ્હાયમાં રહ્યા અને હિંન્ડનબર્ગે તેમને ફકીર બનાવ્યા!!

ભરત વૈષ્ણવ
૩૦.૧.૨૦૨૩#હાસ્ય