SAUNI Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 11 ફેબ્રુઆરીએ વીંછિયા ખાતે સૌની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 23 જેટલા ગામોના 45 હજાર લોકોને ફાયદો મળશે.
આ પણ વાંચો : Success Story : સરકારી નોકરી ન મળતા, સ્ટાર્ટઅપ શરૂ કર્યુ
SAUNI Yojana: ‘સૌની’ (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના) યોજના લીંક-4, તબક્કા-3 અંતર્ગત રૂ. 181.17 કરોડના ખર્ચે વિંછીયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પીંગ સ્ટેશન બનાવીને પાણી ધારેઇ ગામ સુધી પહોંચાડવામાં આવશે. જેનાથી અંદાજે 23 જેટલા ગામોના 45 હજારથી વધુ લોકોને આ યોજનાનો ફાયદો થશે. આસપાસના કુલ 5676 એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણી માટેની સુવિધા મળશે.
આ ગામોમાંથી પસાર થશે પાઇપલાઇન
આ કામની પાઇપલાઇ વિંછીયા તાલુકાના આસલપુર, પીપરડી, રૂપાવટી, કંધેવાળીયા, કોટડા, જનડા, અમરાપુર, હિંગોળગઢ, ગુંદાળા, રેવાણીયા, ઓરી, જસદણ તાલુકાના કમળાપુર, દહિંસરા, ભાડલા, લીલાપુર, કડુકા, નાળીયેરી ટીંબો, બાખલવડ, હડમતિયાખાંડા તથા ચોટીલા તાલુકાના ધારેઇ, ઢોકળવા, ગોલીડા, વડાળી ગામોમાંથી પસાર થશે. જે પૈકી લીંક-4 પેકેજ-9 દ્વારા કુલ 72.856 કીલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્ક દ્વારા કુલ 12 તળાવોને જોડવામાં આવશે.
જાણો સૌની યોજનાનો ઇતિહાસ
સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહદ અંશે પથરાળ વિસ્તાર તેમજ ખૂબ જ ટૂંકી લંબાઈ ધરાવતી નદીઓ હોવાથી કોઈ પણ નદી બારેમાસ કુદરતી રીતે પાણીનું વહન કરતી નથી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં થતા અનિયમિત વરસાદને લીધે પણ પાણીની અછત વર્તાય છે. આ સમસ્યાના નિવારણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તેમજ ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુ ઉપલબ્ધિવાળા નદીના બેઝીનમાંથી ઓછી ઉપલબ્ધિવાળા સૌરાષ્ટ્રની નદીઓના બેઝીનમાં પાણી લાવી આ બેઝીનોના આંતરજોડાણ થકી પાણી અછતને પહોંચી વળવાનું આયોજન વિચાર્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જે મુજબ તજજ્ઞોની ટીમે કરેલા સર્વેક્ષણ મુજબ નર્મદાના પુરના વધારાના વહી જતા પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી (435000 મીલીયન ઘન ફુટ) સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવી શકાય તેમ હતું. જેના આધારે “સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના (સૌની)નુ આયોજન કરવામાં આવ્યું. જે મુજબ સરદાર સરોવર ડેમમાંથી સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1 મીલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનો સંકલ્પ લઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 17મી ફેબ્રુઆરી, 2014ના રોજ ‘‘સૌની’’ યોજનાની શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી.
સૌની યોજના અંતર્ગત 4 લિન્ક પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ 115 જળાશયોમાં પાણી સંગ્રહિત કરવાના ભાગરૂપે લિન્ક 4 દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 જળાશયથી ગીર સોમનાથ જિલ્લાના હીરણ-2 જળાશય સુધી પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે. જયોર પહેલા અને બીજા તબક્કાના કામો પૂર્ણ થઇ ચુકયા છે. અને ત્રીજા તબક્કાના કામો પૂર્ણતાના આરે છે. સૌની યોજના લિંક 4 દ્વારા વર્ષ-2020 થી 2024 દરમ્યાન રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવ અને 07 જળાશયમાં કુલ 4435 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે. આ આયોજનના ભાગરૂપે નર્મદાના એક મીલીયન એકર ફીટ પાણી (43500 મીલીયન ઘન ફુટ)ની સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવણી કરાઇ છે. જેનાથી 115 હયાત જળાશયો મારફતે 970 કરતા વધુ ગામોના 8,24,872 એકર જેટલા વિસ્તારમાં પિયતનો તથા પીવાના પાણીનો લાભ આપવામાં આવશે.
પહેલા તબક્કાનું કામ એપ્રિલ-14 માં શરૂ કરવામાં આવ્યુ હતું. જેનાથી 16 જળાશયો દ્વારા આશરે 1,66,005 એકરમાં સિંચાઈ સુવિધા, 4 શહેરી વિસ્તાર અને 490 ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થયેલ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બીજા તબક્કામાં 12 પેકેજોની મુખ્ય પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયેલ છે. જે મુજબ રાજકોટની જીવાદોરી સમાન આજી-1 જળાશયમાં વર્ષ-2017થી ‘‘સૌની’’ યોજનાનું પાણી ભરવામાં આવે છે. જેનાં કારણે રાજકોટ જિલ્લાના ન્યારી-1, આજી-1, વેરી અને ભાદર-1. જામનગર જિલ્લાના રણજીતસાગર અને ભાવનગર જિલ્લાના માલપરા, કાળુભાર અને શેત્રુંજી જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવી રહયું છે. તથા સૌરાષ્ટ્રના 10 જિલ્લાના ૫૭ જળાશયોમાં નર્મદાના નીરથી 3,77,851એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા તથા ઘરગથ્થુ વપરાશ માટે 80 લાખની વસ્તીને પાણી ઉપલબ્ધ થયેલ છે.
ત્રીજા તબક્કામાં બાકી રહેતા કુલ 42 જળાશયોને જોડવાની કામગીરી અન્વયે ભાવનગર શહેરના બોર તળાવમાં વર્ષ-2021થી નર્મદાના પાણી ભરાયા છે. ત્રીજા તબક્કાની કામગીરીથી સૌરાષ્ટ્ર વિસ્તારના 9 જિલ્લાના 37 જળાશયો મારફતે 2,43,000 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ થશે. ‘‘સૌની’’ યોજના લીંક-1 દ્વારા રાજકોટ, મોરબી, જામનગર તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના 28 જળાશયોને, લીંક-2 દ્વારા ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ તથા અમરેલી જીલ્લાના 19 જળાશયોને, લીંક-૩ દ્વારા સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના 21 જળાશયોને અને લીંક-4 દ્વારા સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર- સોમનાથ તથા અમરેલી જીલ્લાના 20 જળાશયોમાં નર્મદાના પાણી આપવામાં આવેલ છે.
સૌની યોજના મારફત વર્ષ જાન્યુઆરી – 2024 સુધીમાં 85 જળાશયો, સૌની યોજના સિવાયના 10 (વેરી, ચીભડા, ગોમા, દેવધરી, વડીયા, કરીઆણા, કાનીયાડ, કૃષ્ણસાગર, ચાંચકા અને વાંસલ) જળાશયો અને બોટાદ બ્રાંચ કેનાલ દ્વારા 2 (ગોમાં અને સુખભાદર) જળાશય ભરવામાં આવેલ છે, સાથે 170 તળાવો અને 1330 ચેકડેમોમાં આશરે 88,756 મીલીયન ઘનફૂટ નર્મદાના નીર ભરવામાં આવેલ છે.