1 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 23 MOU કરાયા

ખબરી ગુજરાત ગુજરાત બિઝનેસ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂ. 1 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 23 MoU કરવામાં આવ્યા, જેને કારણે આશરે 70 હજાર રોજગારીનું સર્જન થાય તેવી શક્યતા છે. પોર્ટ અને પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગો માટેના MoU સંપન્ન થયા હતા.

આ પણ વાંચો : કેવું રહેશે આજનું હવામાન? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પહેલા ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ 23 MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. 1 લાખ કરોડનું સંભવિત રોકાણ કર્યું છે, તેની સાથે જ આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અત્યાર સુધીમાં 100 એમઓયુ સાથે 1.35 લાખ કરોડનું સંભવિત રોકાણ

રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 13 શ્રુંખલાઓમાં 77 MoU સાથે રૂ. 35 હજાર કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 14મી શ્રુંખલામાં 23 MoU સાથે રૂ. 1 લાખ કરોડનું સંભવિત રોકાણ થયું છે. એટલે કે આજ દિન સુધી 100 MoU સાથે રૂ. 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ક્યા સેક્ટરમાં કેટલી રોજગારીનું સર્જન થશે?

આ એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂ. 27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં રૂ. 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. 4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2000 રોજગારનું સર્જન, એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ. 13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,150 રોજગારનું સર્જન, ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂ. 4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં રૂ. 3100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 8,200 રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. 3500 કરોડના અંદાજિત રોકાણ સાથે 1290 રોજગારનું સર્જન થશે.

આ પણ વાંચો : 14 December : જાણો, આજનો ઈતિહાસ

આ જિલ્લાઓમાં ઔદ્યોગિક એકમો વિકસાવાશે

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ 2025 થી 2030 વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે.

એમ.ઓ.યુ. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, એમ.કે.દાસ તેમજ વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.