Shivangee R Khabri Media Gujarat
ChatGPTની કંપની OpenAI એ જણાવ્યું હતું કે હકાલપટ્ટી કરાયેલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સેમ ઓલ્ટમેન કંપનીમાં પરત ફરી રહ્યા છે. કંપનીએ ગયા અઠવાડિયે તેને હટાવવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપનીએ મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે નવા પ્રારંભિક બોર્ડ દ્વારા સેમ ઓલ્ટમેનને ઓપનએઆઈમાં સીઈઓ તરીકે પાછા લાવવા માટે સૈદ્ધાંતિક રીતે એક કરાર પર પહોંચ્યા છીએ…”
આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેલ્સફોર્સના ભૂતપૂર્વ સહ-સીઈઓ બ્રેટ ટેલર, ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ લેરી સમર્સ અને ક્વોરાના સીઈઓ એડમ ડી એન્જેલોનો સમાવેશ થશે. ગયા શુક્રવારે કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘બોર્ડને હવે ઓપન એઆઈનું નેતૃત્વ કરવાની ઓલ્ટમેનની ક્ષમતા પર વિશ્વાસ નથી…’ તે સમયે ઓપન એઆઈના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતીને તાત્કાલિક અસરથી વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એક સપ્તાહથી ગરબડ ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે OpenAIમાં એક અઠવાડિયાથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કંપનીએ સેમ ઓલ્ટમેનને હટાવતાની સાથે જ ઘણા કર્મચારીઓએ રાજીનામું આપવાની ધમકી આપી હતી. બીજી તરફ, આ પછી તરત જ માઇક્રોસોફ્ટના ચેરમેન અને સીઇઓ સત્ય નડેલાએ એક મોટી જાહેરાત કરી છે. હમણાં જ ગયા સોમવારે, તેઓએ જાહેરાત કરી કે કંપની તેના અદ્યતન AI સંશોધનને આગળ વધારવા માટે ઓપનએઆઈના ભૂતપૂર્વ સીઈઓ સેમ ઓલ્ટમેન અને સહ-સ્થાપક ગ્રેગ બ્રોકમેનને લાવી રહી છે.