Pradhan Mantri Awas Yojana : ગુજરાતમાં 2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ સવા લાખથી વધુનું આવાસોનું પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Pradhan Mantri Awas Yojana : આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે, તે ખુશીની વાત છે. લાખો પરિવારો પોતાનો ગૃહપ્રવેશ ઊજવી રહ્યા છે. આ એક ઐતિહાસિક ઘટનાના પ્રેરણાસ્રોત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે.
મુખ્યમંત્રીએ અયોધ્યા મહોત્સવને યાદ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)એ ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, નવો ઇતિહાસ રચ્યો અને દેશને વિશ્વપ્રતિષ્ઠા પણ અપાવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીને રામરાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે, એટલું જ નહિ તુલસીદાસજીની ‘નિર્બલ કે બલ રામ’ની ઉક્તિને સાકાર કરવાનું કામ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સરકાર દેશના ગરીબ, વંચિત લોકો સુધી આવાસ, આહાર અને આરોગ્યની ચિંતા કરીને દેશમાં સાચા અર્થમાં સુરાજ્ય સ્થાપવાનું કામ કરી રહી છે. કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે 2 કરોડ જેટલા નવા આવાસો ઊભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં આવાસ નિર્માણની વાત કરતા મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ રાજ્યમાં 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર મહિલા, ગરીબ, અન્નદાતા એવા ખેડૂતો અને યુવાનોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. આપણે અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પને (Viksit Bharat Sankalp) સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે. ગુજરાતે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. રાજ્યમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની કાર્યસંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. રામરાજ્યની સંકલ્પના સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.