ધરતીપુત્ર : રાજકોટના પ્રગતિશિલ ખેડૂતની કમાલ, તરબૂચની ખેતીમાં લાખોનો ઉતારો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Organic farming : ભરશિયાળે તરબૂચ (Watermelon) ખેતી કરી જસદણના શિવરાજપુર તાલુકાના પ્રગતિશિલ ખેડૂતે અનોખી સિદ્ધિ મેળવી છે. એટલું નહી પ્રાકૃતિક ખેતી (Organic farming) દ્વારા ખેડૂત જયંતીભાઈ ઝાપડિયાએ તરબૂચ (Watermelon) આ પાકમાં મબલક ઉત્પાદન પ્રાપ્ત કર્યું છે. તેમણે બીજથી લઈ ફૂલ અને ફળની જાળવણી, ખાતર વગેરે તમામ બાબતોમાં માત્ર પ્રાકૃતિક ખેતી (Organic farming) જ અપનાવી છે.

આ પણ વાંચો : Election Results : MP-રાજસ્થાનમાં ભાજપ દબદબો

પ્રાકૃતિક ખેતી દ્વારા વિઘે 200 મણ તરબૂચનો ઉતારો મેળવ્યો

જયંતીભાઈએ આ વિશે જણાવતા કહ્યું કે, સામાન્ય રીતે ખેડૂતોમાં અને લોકોમાં પણ એક માન્યતા છે કે બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી સફળ થતી નથી. ફુલ આવવા અને ફળની જાળવણી સમયે તો ખાસ તેને કેમિકલવાળી જંતુનાશક દવા આપવી જ પડે છે પરંતુ આ વાતને સદંતર ખોટી ઠેરવીને અમે માત્ર ઘન જીવામૃત, જીવામૃત, દશપર્ણી, ખાટી છાશ, પંચગવ્ય વગેરે જેવા પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક જંતુનાશકોના ઉપયોગથી આ તરબૂચ ઉગાડ્યા છે. ચાર વિઘામાં તરબૂચની ખેતી કરતા જયંતીભાઈને પ્રાકૃતિક ખેતી થકી એક વીઘાએ 200 મણનું ઉત્પાદન મળ્યું છે.

એક તરબૂચનો વજન 11 કિલો સુધી હોય છે

જેન્તીભાઈ તરબૂચ ઉપરાંત કાકડી, શેરડી, સીતાફળ, મગફળી, ઘઉં, શેરડી, જુવાર જેવા પાકો પણ પ્રાકૃતિક ખેતીથી જ ઉગાડે છે. તરબૂચ અને કાકડી માટે ખાસ મલ્ચિંગના ઉપયોગ થકી તેમણે જસદણ જેવા પાણીની તકલીફવાળા પ્રદેશમાં પણ તેમણે ખૂબ સારી ગુણવત્તાના ફળ પાકો ઉગાડવામાં સફળતા મેળવી છે. જેમાં તેમને મોટામાં મોટા 11 કિલો સુધીના ફળની આવક પણ પ્રાકૃતિક ખેતી થકી જ થઈ છે. સાથે જ જયંતીભાઈ પોતાની ખેતીમાં ડ્રીપ ઇરીગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

એક જ સિઝનમાં 3 લાખ રૂપિયાનો નફો

સુખનાથ પ્રાકૃતિક ફાર્મ નામક બ્રાન્ડથી જેન્તીભાઈ આ ફળ પાકો પોતાના ખેતરેથી જ વેચે છે. માત્ર એક જ સીઝનમાં 800 મણના ઉત્પાદન સાથે આશરે 3 લાખનો નફો તેમને આ ઓફ સીઝન તરબૂચની ખેતીથી થયો છે ત્યારે રાજ્ય સરકારની મલ્ચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિની યોજનાઓના લાભો પણ તેઓ મેળવી સાથે જ પ્રાકૃતિક ખેતી થકી ઝીરો બજેટ ખેતી કરી રહ્યા છે.

આ પણ વાંચો : ચૂંટણી માં સત્તા નું સેમી ફાઇનલ માટે અહીં વાંચો

પ્રાકૃતિક ખેતીના હિમાયતી જયંતીભાઈ કહે છે કે,ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા રાસાયણિક ખેતીની સાપેક્ષમાં હાલ મારી જમીનનું કાર્બન લેવલ પણ સુધર્યું છે અને બાગાયતી પાકો સાથે પ્રાકૃતિક ખેતી થકી મારા પાકની ગુણવત્તામાં પણ ખૂબ સુધારો થયો છે. ત્યારે બાગાયતી પાકોમાં ખેડૂતોની માનસિકતા બદલે અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તો લોકોના સ્વાસ્થ્ય સાથે જ ઝીરો બજેટ ખેતી થકી ખેડૂતોના જીવનનું પણ સ્તર ઉંચુ આવશે.

સૌજન્ય – ડો. દિવ્યા ત્રિવેદી