Shivangee R Khabri Media Gujarat
“બેટા, ભૂખ લાગી છે કશું છે જમવામાં?”
બપોરના ત્રણ વાગ્યા હતા. રામેશ્વર બાબુ એ રૂમમાંથી વહુ ને કહ્યું.
“આ ખાવા માટેનો કોઈ સમય છે? 11 વાગે તમને દૂધ અને દલીયા આપ્યા હતા,અત્યારે ત્રણ વાગ્યા છે શાક રોટલી બનાવ્યા હતા તે પૂરા થઈ ગયા છે. ખાવા સિવાય તમને કંઈ બીજું કામ જ નથી. આ રસોઈ છે કે ફેક્ટરી? તમે કહો ત્યારે મારે રસોડું ચાલુ કરવાનું. તમારા રૂમમાં જાઓ, સાંજે જોશું. અત્યારે મારી ફેવરીટ સીરીયલ આવે છે.” વહુ એ કહ્યું અને ફરીથી ટીવી શરૂ કર્યું.
રામેશ્વર બાબુ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આ બધું કચરા પોતા અને વાસણ કરતા કામવાળા બહેન એ સાંભળ્યું. એને મનમાં જ વિચાર્યું કે કેવડો મોટો બંગલો છે. કેટલી ગાડી છે. પૈસા છે. મોટા બંગલામાં રહેતી આ વહુ નું દિલ કેટલું નાનું છે. જે પિતા તુલ્ય પોતાના સસરાજીની સેવા નથી કરતા એટલું જ નહીં પણ એને ભૂખ્યા રાખે છે. કાશ મારા સસરા એવા હોત તો હું એમ મારા પિતા જેમ જ પ્રેમ આપત.
કામ કરતા કરતા અચાનક એને યાદ આવ્યું કે ઘણા સમયથી ફળ બદામ કાજુ ડાઇનિંગ ટેબલ ઉપર સડી રહ્યા છે. મોંઘી વસ્તુઓ વાસી થાય અને ફેકાય છે. છોકરાઓ પણ એને ખાતા નથી કારણ કે એ લોકોને ફ્રેશ વસ્તુઓ ભાવે છે. એ લોકોને તો માત્ર ઝંક ફૂડ જ ખાવું હોય છે. ફળ અને સૂકા મેવા તો એને ગળે સુધી પણ નથી પહોંચતા.
સાહેબ અને માલકીનને પોતાના કામ અને કીટી પાર્ટી થી સમય નથી મળતો તો આ બધું ક્યારે ખાશે? બિચારા દાદાજી ને તો દાંત પણ નથી દલીયા ખીચડી પણ ખાતા ખાતા એને આંખમાં ફીણ આવી જાય છે.
ત્યારે જ એને કશું વિચાર્યું અને પોતે ખુશ થઈ ગઈ. એને એક મુઠ્ઠી મેવા અને કેળા લીધા. મેવા નો ભુકો કર્યો અને દૂધમાં કેળા સાથે મિક્સ કરીને રામેશ્વર બાબુને આપ્યા.
એને કહ્યું “તમે આરામથી ખાઈ લ્યો તમને ભૂખ લાગી છે ને?”
જ્યારે તરસ્યા ને થોડું પાણી મળી જાય તો એ અમૃત સમાન હોય છે. વૃદ્ધ રામેશ્વર બાબુ એ પોતાના આંસુ લૂછ્યા અને પ્રેમથી આરોગવા લાગ્યા. બાપુજીએ સંતોષ થી જમતા જોઈ ને એને મનમાં શાંતિ થઈ.
હવે સુધા હરરોજ બાપુજીને મેવા વાળું દૂધ બનાવીને આપતી. સુધા હવે નવા નવા વ્યંજન વહુ થી છુપાઈને બુઝુર્ગ રામેશ્વર જીને બનાવીને આપતી. ક્યારેક છોકરાઓ જોઈ લેતા તો એમ વિચારતા કે દાદાજીની આંખો કમજોર થઈ ગઈ છે એટલે કામવાળા બહેન ને મમ્મી સમજીને વસ્તુઓ માંગીને ખાય છે.
READ: નીતિ હશે સાચી તો ઈશ્વર પણ સાથ આપશે
ઘરની વહુ ને વિચારીને ખુશી થતી કે વૃદ્ધ સસરા ને ખીજાય છે એટલે કાબૂ રહે છે. રામેશ્વરજી નો દીકરો પિતાજી ની તબિયત સુધરતી જોઈને એમ વિચારતો કે પોતાની પત્ની એના સસરાનું ખૂબ જ ધ્યાન રાખે છે.
ઘરની કામવાળી સુધા વિચારે છે કે એની નોકરી અહીંયા જ છે જિંદગી પણ અહીં છે. પારકા કામ કરતા કરતા ક્યારે જીવ નીકળી જશે કોઈને નથી ખબર. મારા ઘરે સસરા પણ નથી તો અહીં જ વૃદ્ધ સેવા કરીને પુણ્ય કમાઈ લેવું સારું.
ઘરડા રામેશ્વર બાબુ વિચારતા હતા કે હવે ઘરડા થઈ ગયા. ઈશ્વર મારી ચિઠ્ઠી ગમે ત્યારે ફાડી શકે છે. આવા સમયે ભૂખ્યો રહીને મરવા કરતા જે વ્યક્તિ સેવા કરે છે સન્માન આપે છે તેનાથી લઈ લેવું સારું. રામેશ્વરજી સુધાને આશીર્વાદ આપતા અને વિચારતા આવતા જન્મમાં એને અમીર નહોતું બનવું પણ સુધા જેવી દીકરીના પિતા અથવા સસરા બનવું હતું.