વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભ ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. આ 17 યોજનાઓ

Rajkot: રાજકોટ જિલ્લામાં 2900થી વધુ પરિવારને મળ્યા પ્રોપર્ટી કાર્ડ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભ ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. આ 17 યોજનાઓની પૈકીની એક મહત્ત્વની યોજના એટલે સ્વામિત્વ, જેમાં નાગરિકોને મિલકતના હક્ક આપતા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 2955 જેટલા પરિવારોને મિલકતના હક્કો તેમના દ્વારે જ ઉપલબ્ધ કરાવાયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારે શરૂ કરેલી આ પહેલના કારણે નાગરિકોને મિલકતના હક્ક સરળતાથી અને ઘર આંગણે જ મળી રહ્યા છે, અને સંપત્તિના હક્કો મેળવવા માટેની તેમની રઝળપાટ દૂર થઈ છે.

રાજકોટ જિલ્લા નિરીક્ષક, જમીન રેકોર્ડ કચેરી તરફથી મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્વામિત્વ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 28 ગામોમાં 2955 જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય ગામોમાં પ્રોપ્રટી કાર્ડના વિતરણનું કામ પ્રગતિ હેઠળ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાની વાત કરીએ તો, જેતપુર તાલુકાના બે ગામમાં 107 પરિવારોને ઘરઆંગણે જ મિલકતના હક્કો ઉપલબ્ધ કરાવાયા છે. જ્યારે ગોંડલ તાલુકાના બે ગામમાં 290 પરિવારો, ધોરાજી તાલુકાના સાત ગામોમાં 1226 પરિવારો, જસદણના એક ગામમાં 49 પરિવારો, વિંછિયા તાલુકાના સાત ગામોમાં 634 પરિવારો, પડધરીના નવ ગામોમાં 649 પરિવારોને સંપત્તિના હક્ક તેમના દ્વારે જ આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, સ્વામિત્વ યોજનાએ પોપર્ટી કાર્ડ યોજના તરીકે જાણીતી છે. ગ્રામીણ નાગરિકોને પોતાની સંપત્તિની માલિકીનો પુરાવો આપવા ઉપરાંત આ કાર્ડના બદલામાં તેમને લોન અને અન્ય નાણાકીય લાભો આપીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના બેવડા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે, જે અન્વયે ગ્રામજનોને તેમની મિલકતની માલિકીનું પ્રમાણપત્ર મળે છે.

કેન્દ્રીય ક્ષેત્ર યોજના, સર્વે ઓફ વિલેજિસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રુવાઈઝ્ડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાઝ (SVAMITVA) યોજના નાણાકીય વર્ષ 2020-21થી શરૂ થઈ છે. પંચાયતી રાજ મંત્રાલય, સર્વે ઓફ ઈન્ડિયા (SoI), રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સહયોગી પ્રયાસોથી તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતના વિવિધ રાજ્યોમાં 16 નવેમ્બર 2023થી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ હતી, જે 26 જાન્યુઆરી 2024 સુધી ચાલનાર છે. આ સંકલ્પ યાત્રામાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાના લાભો તેમના ગામમાં જ ઉપલબ્ધ કરાવાય છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.