Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: રાજકોટ એસટી વિભાગ (GSRTC)ની બસોમાં ગત તા. 26 ઓક્ટોબરથી UPI પેમેન્ટ સિસ્ટમ લાગુ પડતા એક મહિનાથી પણ ઓછા સમયમાં રોજના રૂ. 2.50 લાખથી 3 લાખ જેટલી કિંમતનું ઓનલાઇન પેમેન્ટ QR code સ્કેન દ્વારા કરવામાં આવી રહ્યાનું વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
આ અંગે વધુ વિગતો આપતા તેઓએ જણાવ્યું છે કે, રાજકોટ વિભાગ હેઠળના 10 ડેપોની 2600 જેટલી ટ્રીપ રોજની થતી હોય છે, જેમાં આશરે એક લાખ વીસ હજાર જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. જેની કુલ આવક રૂ. 60 લાખ જેટલી થવા જાય છે. શહેરી યુવાનો સાથે અન્ય લોકો પણ ધીરે ધીરે યુ.પી.આઈ. પેમેન્ટ સિસ્ટમમાં જોડાઈ રહ્યા છે.
રાજકોટ વોલ્વો વિભાગના મેનજર એન.વી. ઠુંમરના જણાવ્યા અનુસાર એ.સી. બસો, એકસપ્રેસ તેમજ ઇલેક્ટ્રિક બસોમાં ઓનલાઇન પેમેન્ટ કરવા માટે વધુ પ્રમાણમાં લોકો ઉત્સાહ દેખાડે છે. લોકોને પ્રેરણા મળે તે માટે દરેક બસમાં યુ.પી.આઈ. પેમેન્ટ સ્વીકારીએ છીએ તેના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. વિશેષમાં ઓનલાઇન પેમેન્ટથી પ્રવાસીઓ ઉપરાંત કંડકટરને પણ રાહત થઈ ગઈ છે. હવે તેઓને વધુ પડતી કેસ સાથે રાખવાની કે જમા કરાવવાની કડાકૂટ રહેતી નથી. છુટા પૈસાની લેનદેન પણ હવે દૂર થઈ ગઈ હોવાનું કંડકટર મયંક ડાભી જણાવે છે.
રાજકોટ વોલ્વો વિભાગના મેનજર એન.વી. ઠુંમરે પેમેન્ટ પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે, અન્ય જગ્યાએ પેમેન્ટ કરીએ છીએ તે જ રીતે ટિકિટ માટે ઓનલાઇન પેમેન્ટ કરવું ખુબ સહેલું છે.
આ પણ વાંચો: સફાઈ કામદારો માટેની યોજનાઓની ઓનલાઇન પ્રક્રિયા થઈ શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
આ માટે કંડકટરને આપેલ ડિવાઇસમાં ટિકિટની માહિતી આપ્યા બાદ પેમેન્ટ રીસીવમાં યુપીઆઈનું બટન આપેલું હોય છે, જે પ્રેસ કરતા QR Code આવે છે. જેને પેસેન્જર તેમની એપ થ્રુ સ્કેન કરી પેમેન્ટ કરી આપે છે. જો કોઈ પેમેન્ટ ફેઈલ જાય તો પેસેન્જરને 24 કલાકમાં રિફંડ મળી જતું હોય છે. તેમ છતાં કોઈ ફરિયાદ હોઈ તો ટોલ ફ્રી નંબર 1800 233 666 666 કે 079 2283 5000 નંબર પર જાણ કરી શકે છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.