Jagdish, Khabri Media Gujarat
Global Fisheries Conference : ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ (World Fisheries Day) નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો. જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે ઘોલ માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : યુવાનોમાં હાર્ટ એટેકને લઈ ICMRના અભ્યાસમાં મોટો ખુલાસો
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ₹5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે, એમ તેમણે ઉમેર્યું હતું. દેશના અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગ વિભાગના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. છેલ્લાં 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ -અંર્તદેશીય મત્સ્ય જળાશય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, જે રાજ્યના માછીમારોને ઉપયોગી થશે અને પારદર્શકતા વધશે. વર્લ્ડ ફિશરીઝ ડે નિમિત્તે આજે ઘોલ માછલીને ગુજરાત રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vibrant Gujarat : ગુજરાતમાં યોજાશે પ્રિ- વાયબ્રન્ટ ટેક્ષટાઈલ સમિટ
સહકાર ક્ષેત્ર અંગે વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે દેશમાં સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેશમાં 25000થી વધુ કો- ઓપરેટિવ સોસાયટીઓ આ ક્ષેત્રે કાર્યરત છે. જેના દ્વારા માછીમારો અને મત્સ્ય ઉદ્યોગોને ફિશ પ્રોસેસિંગ, ફિશ સ્ટોરેજ, ફિશ ડ્રાયિંગ સહિતના કાર્યો માટે રોકાણ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 1600 કિમીના વિશાળ સાગર કાંઠા પર આવેલા 14 જિલ્લાનાં 798 જેટલાં ગામડાંઓમાં મત્સ્યપાલન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર મત્સ્યોદ્યોગને સતત પ્રોત્સાહન આપી રહી છે. માછીમારોને બોટ માટેના ડીઝલમાં વેટ રાહત સહાય અંતર્ગત પાછલાં વર્ષોમાં રૂ.250 કરોડની રાહત આપવામાં આવી છે. આ વર્ષે રૂ.443 કરોડની સહાય અપાઇ છે.
આ પણ વાંચો : Emmy Awards 2023: વીર દાસ અને એકતા કપૂરે રચ્યો ઈતિહાસ
મત્સ્યપાલકની સમૃદ્ધિ રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં માછીમારોને આજ સુધી 14,180 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાયું છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હજુ વધુ લોકોને આવરી લેવાશે. આ ઉપરાંત માછીમાર સમૂહ દુર્ઘટના વીમા યોજના અંતર્ગત રાજ્યના 1,30,000 માછીમારો અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વીમા સંરક્ષણ પૂરું પડાયું છે. છેલ્લા 5 વર્ષમાં 1747 માછીમારોના પરિવારોને રૂ.17 કરોડ 95 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ માછીમારોની સુરક્ષા માટે જીવન રક્ષક સાધન સહાય પણ આપવામાં આવે છે.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘સ્ટેટ ફિશિઝ ઓફ ઈન્ડિયા’ બુક્લેટ અને ‘હેન્ડબુક ઓફ ફિશરીઝ સ્ટેટેસ્ટીક્સ યર 2022’ પ્રકાશનોનું પણ આ તકે વિમોચન કરવામાં આવ્યું. સાથે જ, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગ્રુપ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમના ક્લેઈમ ચેક, કિસાન ક્રેડિટ કાર્ડ, ગ્રીન ફ્યુલ કનવર્ઝન કીટ અને ટ્રાન્સપોંડર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે વિવિધ કેટેગરી હેઠળ વિવિધ એવોર્ડ્સનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.