Junagadh: અમદાવાદમાં ભૂતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબંધ બૉમ્બ ધડાકાઓ કરી મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાનીના બનાવો થયેલ છે. ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો અનુસાર આવી ઘટનાઓની શક્યતાઓ ભવિષ્યમાં રહેલી છે. ઉપરાંત શહેરમાં વિભિન્ન પ્રકારના લૂંટ, ધાડ જેવા ગુનાઓ પણ બનતા હોય છે. આવા ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા તેમજ તપાસકામે સી.સી.ટી.વી. કેમેરા ઉપયોગી બની શકે તેમ હોવાથી વિવિધ એકમો કે જ્યાં જાહેર જનતાને અવર-જવર રહે છે. તેવા સ્થળોએ જાહેર જનતાની સુરક્ષા માટે સી.સી.ટી.વી કેમેરા લગાવવા તેમજ આનુષંગિક જરૂરી પગલાં લેવા સૂચનાઓ બહાર પાડતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરીને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં તમામ હોટલ, ખાણીપીણીની લોજ, ફાસ્ટની દુકાન, ધાબા, ગેસ્ટ હાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહો, વિશ્રામ ગૃહો, રિસોર્ટ, ફાર્મહાઉસ, કોમર્શિયલ એકમો, ઔદ્યોગિક એકમો, જીઆઇડીસી, પેટ્રોલ પંપ, સીએનજી પમ્પ, ગેસ એજન્સી, બેંકો, એટીએમ સેન્ટર, સિનેમા ઘર, શોપિંગ મોલ, ટોલ પ્લાઝા, આંગડિયા પેઢી, સાઈબર કાફે, કારખાના, શોરૂમ, જાહેર બાગ બગીચા, ટ્યુશન ક્લાસીસ, યુનિવર્સિટિ, શાળા-કોલેજો, સમાજની વાડી, ચર્ચ, મંદિર, મસ્જિદ, મદ્રેસા, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક, રોપ-વે, સોની વેપારીની દુકાનો તથા મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય તેવા મેળા જેવા સ્થળોએ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ તથા પાર્કિંગના સ્થળોએ તથા જે તે જગ્યાના મહત્વના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.
તેમજ તેનું રેકોર્ડિંગ દિન-30 માટે સાચવવાનો રહેશે. સીએનજી કે પેટ્રોલ પંપના માલિક/સંચાલકોએ સીએનજી પમ્પ/પેટ્રોલ પંપનો સમગ્ર વિસ્તાર આવરી લે તેમજ પેટ્રોલ/ડીઝલ/સીએનજી ફીલિંગ સ્ટેશન ઉપર વાહન આવે ત્યારે આવા વાહનના નંબર તેમજ ચાલક સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઈ શકે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન થતા હાઈ ડેફીનેશનના) રેકોર્ડિંગ સિસ્ટમ સાથે પૂરતી સંખ્યામાં રાખવાના રહેશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પ્રાઇવેટ સિક્યુરિટી રાખવા માંગતા એકમ/પેઢીઓએ લાઇસન્સ ધરાવતી અધિકૃત સિક્યુરિટી એજન્સીના તથા તાલીમબધ્ધ સિક્યુરિટી ગાર્ડ રાખવાના રહેશે. આવા ગાર્ડ રાઉન્ડ ધી ક્લોક રાખવાના રહેશે.
તેમજ જો કોઈ એકમની માલિકી બદલાય તો તે અંગેની જાણ આધાર પુરાવાઓ સાથે તરત જ એસ.ઓ.જી. શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જૂનાગઢમાં તથા લગત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે.
મલ્ટીપર્પઝ થિયેટર/કોમર્શિયલ મોલ/સેન્ટર/રોપ-વે તથા મેળા કાર્યક્રમના આયોજકોએ આવા સ્થળો ખાતે મેટલ ડિટેક્ટર લગાવવાના રહેશે. ઘણા ખરા કેસોમાં ગુનેગારો સી.સી.ટી.વી. કેમેરા તોડી નાખતા હોય છે.
જેથી સી.સી.ટી.વી કેમેરા રેકોર્ડિંગ એક્સેસ કરવું મુશ્કેલ બને છે/શક્ય બનતું નથી. આથી આવું ન બને તે હેતુસર ડી.વી.આર. સિસ્ટમને કોઈ પણ નુકસાની ન થઈ શકે તે રીતે આવી સિસ્ટમ કેમેરાથી અલગ જગ્યાએ લોકરમાં સુરક્ષિત રીતે રાખવાની રહેશે. તેમજ સી.સી.ટી.વી કેમેરાઓમાં ભારતીય માનક સમયાનુસાર ચોક્કસ પણ સમય સેટ કરવાનો રહેશે.
આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા. 17/03/2024 સુધી અમલમાં રહેશે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.