વલસાડમાં ત્યાગ, પ્રેમ અને સમર્પણનો અદ્ધભુત કિસ્સો સામે આવ્યો છે. જી હા વલસાડમાં 10 વર્ષની બાળકીને તેની મોટી બહેને બોન મેરો ડોનેટ કરી જીવન બચાવ્યું છે. વલસાડમાં એક નાનકડા ગામમાં અભ્યાસ કરતી બાળકીને મેજર થેલેસેમિયાન હોવાનું જાણવા મળતા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ પડશે તેમ આરબીએસકેની ટીમ દ્વારા જણાવાયું હતુ. જો કે આ ઓપરેશન માટે 16 લાખનો ખર્ચો આવે તેમ હતો પણ સંદર્ભ કાર્ડ અંતર્ગત બાળકીનું નિશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો : મિશન શક્તિ યોજના એટલે શું? જાણો કઈ રીતે છે ઉપયોગી
વલસાડ તાલુકાના અંજલાવ ગાડરીયા ગામમાં દેવી ચોકી ફળિયા ખાતે રહેતા અને ટેમ્પો ડ્રાઈવર પિતા પંકજભાઈ પટેલની 10 વર્ષીય દીકરી કેની ધો. 4 માં આવાબાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારે RBSK TEAM VSVAM – 554 દ્વારા તા. 14 ફેબ્રુઆરી 2020ના રોજ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી ત્યારે કેનીમાં કમજોરી જણાઈ હતી, જેથી શાળાના શિક્ષક અને પરિવારને પૂછતા મેજર થેલેસેમિયા હોવાનું જણાતા આરબીએસકેની ટીમે બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવુ પડશે એમ જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવારને માટે 16 લાખ જેટલો ખર્ચ થવાનો હોય પરિવાર મુંઝવણમાં મુકાયો હતો.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ત્યારે આરબીએસકેની ટીમે ગુજરાત સરકારની શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ વિશે કેનીના પરિવાજનોને માહિતી આપી દીકરીની તકલીફ વિશે સમજાવી સઘન તપાસ અને સારવાર માટે ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, અમદાવાદ હોસ્પિટલ ખાતે મોકલવા જણાવ્યું હતું. જે માટે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલના માર્ગદર્શન હેઠળ સંદર્ભ કાર્ડ બનાવી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા પરંતુ કોવિડ 19 ની અસરના કારણે બાળકીની સારવારમાં વિલંબ થયો હતો. આખરે તા. 22 મે 2023ના રોજ કેનીનું અમદાવાદ હોસ્પિટલમાં તેની મોટી બહેન અંશીમાંથી બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
તા. 11 ઓગસ્ટ 1023 અને તા. 29 નવેમ્બર 2023ના રોજ આરબીએસકેની ટીમ દ્વારા કેનીનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યુ તેમાં તે સ્વસ્થ જણાઈ હતી. હવે કેની અન્ય બાળકોની જેમ રમી પણ શકે છે. હાલ સારવારના કારણે સ્કૂલમાંથી ડ્રોપ લીધુ છે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ આગળનું ભણતર પણ પુરુ કરી શકશે.
આ પણ વાંચો : PM-KISAN Yojana: ગ્રામસેવકો દ્વારા E-કેવાયસી કેમ્પેઈન શરૂ
સંદર્ભ કાર્ડનો લાભ કોને અને કેવી રીતે મળી શકે?
- આ યોજનાનો લાભ નવજાત બાળકથી લઈને ૧૮ વર્ષ સુધીના સગીરને મળી શકે છે.
- આ માટે વાલીની આવક મર્યાદાનો કોઈ બાધ નથી.
- હોસ્પિટલમાં ઓપરેશન અને સારવાર ખર્ચ અંગે પણ કોઈ મર્યાદા નથી
- લાભાર્થી મૂળ ગુજરાતના રહીશ હોવા જોઈએ
- ગુજરાત બહારના લાભાર્થી હોય તો છેલ્લા ૫ વર્ષથી ગુજરાતના સ્થાનિક રહીશ હોવાનો મામલતદારનો દાખલો રજૂ કરવો
- સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેમજ અભ્યાસ નહીં કરતા હોય તેવાને પણ લાભ મળી શકે છે
- બિમારીનું નિદાન થાય ત્યાર બાદ જ આ યોજના હેઠળ આરોગ્ય ખાતામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ બની શકે છે
- સંદર્ભ કાર્ડ માટે રેશન કાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ બોનોફાઈડ સર્ટિ., બાળક આંગણવાડીમાં હોય તો તેનો દાખલો રજૂ કરવો
- જન્મજાત બાળકના પગ વળી જવા, કપાયેલા હોઠ અને તાળવા સહિતની વિવિધ બિમારીની સારવાર સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ
- કિડની, કેન્સર, કોકલીયર ઈમ્પ્લાન્ટ અને હ્રદયને લગતી મેજર બિમારીની સારવાર અમદાવાદ ખાતે ઉપલબ્ધ