New ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે.
આ પણ વાંચો : ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં કરી શકાશે “સમુદ્રી સીમાદર્શન”
New ST Bus : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી 70 એસ.ટી. બસોનું લોકાર્પણ કર્યું હતું. સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા ૨૫ લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા-આવવાની સેવાઓ પૂરી પાડે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે. તદઅનુસાર, 2022-23 અને 2023-24ના બજેટ જોગવાઈ અન્વયે સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ 2,812 નવા વાહનો પેસેન્જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવનારા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ નવા વાહનો પૈકી રૂ. 26 કરોડના ખર્ચે 70 બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં 1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની આ 70 નવી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે વેળાએ વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.