Junagadh: આદિવાસી-જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને જન કલ્યાણકારી યોજનાઓ – સેવાઓનો લાભ પહોંચે તે માટે PM JANMAN એટલે કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં વસતા ખાસ કરીને સીદી સમાજના લોકોને વિવિધ યોજનાઓનો લાભો મળી રહે તે માટે સાસણ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Rajkot: ઉત્તરાયણના રોજ પતંગના દોરાથી ઘવાયેલ 538 પક્ષીને અપાઈ સારવાર
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ઝારખંડ, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાની સાથે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. સાથે જ આદીવાસી બાંધવોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ હપ્તાની ચૂકવણી સહિતના લાભો અર્પિત કર્યા હતા.
સાસણ સિંહસદન ખાતે આયોજિત આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના શાસનકાળમાં સરકાર તમારે દ્વારે આવી છે, એટલે પદાધિકારી, અધિકારી અને તંત્ર સામે ચાલીને છેવાળાના અને વંચિત લોકોને વિવિધ લાભો મળી રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આદિજાતિ સમાજના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પ્રમાણપત્રો, આધારકાર્ડ વગેરે માટેની સેવાઓ આપવા માટે આ પ્રકારના અભિયાન શરૂ કરવામાં આવે છે. તેમ જણાવતા કહ્યું કે, નેશના છેવાડાના વિસ્તારમાં પણ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. આરોગ્ય સેવાઓ માટે આયુષ્માન ભારત કાર્ડના દ્વારા લોકોને મોતના મુખમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આ કાર્ડ દ્વારા લોકોને રૂ.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે.
તેમણે જણાવ્યું કે, સાસણમાં પ્રવાસન વિકસવાથી રોજગારીનું પ્રમાણ વધ્યું છે. સિંહ દર્શન માટે એક સમયે 30 જિપ્સી ચાલતી હતી. તે વધીને 190 થઈ છે. ઉપરાંત હોટલ, હોમ સ્ટે મંજૂરીથી રોજગારીની તકો ઊભી થઈ છે. જેનો સ્થાનિક લોકોને પણ ખૂબ લાભ મળી રહ્યો છે. તેમણે આ વિસ્તારની બહેનો કાપડની થેલી, લેધર પોકેટ વગેરે વસ્તુઓ બનાવી રોજગારી મેળવતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આદિમ જાતિના લોકોની ચિંતા કરી છે, તેમને પાકુ ઘર, શિક્ષણ, વીજળી સહિતના લાભો મળી રહે તે માટે એક અલાયદુ પેકેજ જાહેર કર્યું છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આપણા આદિવાસી બાંધવો પણ પાછળ ન રહે અને તેમની સુખાકારીમાં વધારો થાય તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ કોઈ કલ્પના ન કરી શકે તેવા જાંબુર ગામના સમાજસેવી મહિલા હીરબાઈ લોધીને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો. પ્રેરણાદાયી જીવન જીવતા હીરબાઈ લોધીને સામેથી આ સન્માન આપ્યું હતું.
સીદી સમાજમાંથી આવતા અને માંગરોળ ખાતે નાયબ મામલતદાર કચેરી તરીકે ફરજ બજાવતા મખદુમ છોટીયારાએ જણાવ્યું કે, પારદર્શક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામે રેવન્યુ તલાટી તરીકે મહેસુલ વિભાગમાં નિમણૂક પામ્યો હતો. હવે નાયબ મામલતદાર તરીકે બઢતી મેળવી હકારાત્મક અભિગમ સાથે નિષ્ઠાપૂર્વ ફરજ બજાવી રહ્યો છું. સરકારી યોજનાઓના લાભો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમ જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં તાલુકા વિકાસ અધિકારી પાવરાએ શબ્દો દ્વારા મહાનુભાવો અને કાર્યક્રમ સહભાગી થનાર સીદી સમાજના લોકોને આવકાર્યા હતા. ઉપરાંત સીદી સમાજના યુવાનોના એક કલાજૂથે ધમાલ નૃત્ય પણ રજૂ કર્યું હતું.
આયુષ્માન ભારત યોજના થકી જેમના માતાને હૃદય રોગની સારવાર માટે લાભ મળ્યો છે તેવા રજિયાબેન સીરમાન, NFSA યોજનાના લાભાર્થી બોદુભાઈ મજગુલ, પૂર્ણા શક્તિના લાભાર્થી બરસાના બેન લોબીએ મળેલ લાભોનો ઉલ્લેખ કરતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો મંજૂરી પત્ર સહિતના લાભો અને પ્રમાણપત્રોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત લાભાર્થીઓ માટે આરોગ્યલક્ષી, ઉજ્વલા સહિતની યોજનાઓ માટેના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. જેની કાર્યક્રમના અંતે મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ડીસીએફ રામ મોહન, ગીર પશ્ચિમ ડીસીએફ પ્રશાંત તોમર, આઈએફએસ વિકાસ યાદવ, જિલ્લા પંચાયતના સદસ્ય વરજાંગભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ, જૂમભાઈ, રત્નાભાઈ સહિતના અગ્રણીઓ ઉપરાંત પ્રાંત અધિકારી એન. જે. ચુડાસમા, જિલ્લા આયોજન અધિકારી આર.એમ. ગંભીર, જિલ્લા ખેતિવાડી અધિકારી જે.ડી. ગોંડલીયા, સીડીએચઓ મનોજ સુતરીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી સી.ડી. ભાંભી સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.