તુંવર મુજાહિદ; ગાંધીનગર:
અમદાવાદ: રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યાં હોવાના કારણે રાત્રે ઠંડી તો સવારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં બે ઋતુઓ ઉનાળો અને શિયાળાનો અનુભવાતો હોવાના કારણે લોકો બિમાર પણ પડી રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યમાં નવરાત્રીની પણ શરૂઆત થઈ ચૂકી છે.
હવામાન વિભાગે આગાહી કરતાં આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે માહિતી આપી છે. આ સાથે અંબાલાલ પટેલ પણ રાજ્યનું હવામાન ખરાબ થવાની આગાહી કરી છે. આમ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી શકે તેવી આશંકા દર્શાવી છે.
મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ કે, અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. જેથી હવામાન વિભાગ સિસ્ટમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- થનગનતા ખેલૈયા માટે સરકારનો ટહુકા ભર્યો સાદ
ગલોબલ ફોરકાસ્ટ સિસ્ટમ વેધર મોડલની આગાહી પ્રમાણે, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી શકે છે. તો ECMWF વેધર મોડલના અનુમાન પ્રમાણે વાવાઝોડું ઓમાનમાં જઈને ટકરાઈ શકે છે. GFS મોડલના અનુમાન બિપોરજોયની જેમ ફરી એક વખત વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનની સરહદ આસપાસ ટકરાઈ શકે છે. જો કે, હાલ આ માત્ર અનુમાન છે. વાવાઝોડું કઈ દિશા પકડશે અને કેવો ટ્રેક હશે એને લઈને પાક્કું અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ જેમ સમય વિતશે એમ સ્થિતિ સ્પષ્ટ થશે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંય પણ વરસાદ પડવાની શક્યતા નથી, તેથી નવરાત્રીમાં કોઈ જ મુશ્કેલી આવશે નહીં. જોકે, અરબ સાગરમાં જોવા મળતી હલચલ પ્રમાણે ચક્રવાત ઉભું થઈ શકે છે પરતું તેમાં સમય લાગી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યભરમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે એટલે ખુશનુમા માહોલ રહેશે. આ સાથે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો- ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ
વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન લગાવ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે, અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. પરંતુ તે કઈ તરફ ફંટાશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકે એવી આશંકા પ્રબળ બની છે. અરબ સાગરમાં ખૂંખાર વાવાઝોડું આકાર લઈ શકે છે.
હાલ દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો હોવાની હવામાન વિભાગે પુષ્ટિ કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ‘સોમવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી આગામી 36 કલાકમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. હાલ તેની દિશા પશ્ચિમ-ઉત્તર રહેવાનું અનુમાન છે. જોકે, વાવાઝોડું બનશે કે નહીં એ અંગે હવામાન વિભાગ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, અન્ય કેટલાક હવામાન મોડલમાં અત્યંત ખૂંખાર વાવાઝોડાના સંકેત આપવામાં આવી રહ્યાં છે.