ગુજરાતની એક ખાનગી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન હિન્દુ વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવાતી હોવાનો કથિત વીડિયો વાયરલ થતા ગુજરાત જ નહિ દેશમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જેને લઈ હિન્દુ સંગઠનો અને વાલીઓએ ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. આ મામલે રાજ્ય સરકારે પણ સઘન તપાસનો આદેશ આપ્યો છે. પ્રદર્શન દરમિયાન હિન્દુ સંગઠનના કેટલાક કાર્યકરો દ્વારા શાળાના શિક્ષકને માર પણ મારવામાં આવ્યો હતો.
ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતું છાશવારે ગુજરાતની ધર્મનિરપેક્ષતા પર કુઠાર ઘાત કરી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે પછી ધાર્મિક તહેવારોમાં પથ્થરમારો કે હિંસા ભડકાવવી હોય, ધર્મ પરિવર્તન હોય કે પછી માસુમ બાળકોને સોફ્ટ ટાર્ગેટ બનાવી ધર્મનો પ્રચાર કરી બ્રેઈનવોશ કરવાનો હોય. આવી જ વધુ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ નામની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આપને જણાવી દઈએ કે ઘાટલોડિયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિધાનસભા મતવિસ્તાર છે.
ઘટના 27 સપ્ટેમ્બરની હોવાનું મનાઈ રહ્યું છે, અહીં ઈદની ઉજવણી દરમિયાન બીજા ધોરણના પાંચ વિદ્યાર્થીઓ નમાજ પઢતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ હિન્દુ સંગઠનના કાર્યકરો સ્કુલ ખાતે ધસી ગયા હતા. તેમજ શાળાના આચાર્યને બનાવને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં શિક્ષકને ઢોર માર માર્યો હતો. જો કે સમગ્ર મામલાની ગંભીરતા પારખી જતા શાળા સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. તેમજ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી બાહેંધરી આપી હતી. શાળાના નમાજ કાંડના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા હતાં અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ કરી રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. હાલ તો જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો કરવા માંગ કરી છે.
બાળકોને જ શા માટે બનાવાય છે ટાર્ગેટ
મનોવિજ્ઞાનમાં એવું સાબિત થયું હોય છે બાળકોનું માનસ એક કોરી પાટી જેવું હોય છે તેને જેવું આચરણ કરવાનું શીખવવામાં આવે તેવું જ તેઓ શીખે છે. તેથી કેટલાક હિન્દુ ધર્મવિરોધી માનસ ધરવતા લોકો વારંવાર બાળકોના કુમળા માનસને ધર્મની પ્રયોગશાળા બનાવે છે. ગુજરાતમાં આવી પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ બાળકોના કુમળા માનસને ટાર્ગેટ કરી ધર્મ પ્રચાર અને પ્રસાર કરવાનું દુષ્કર્મ થતું રહ્યું છે.
અગાઉ પણ આવા વીડિઓ વાયરલ થયા છે
આ કંઈ પહેલી ઘટના નથી કે જ્યારે બાળકોની પાસે નમાજ અદા કરાવાઈ હોય આવી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર સામે આવે છે અને તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવે છે. પરંતું હજુ સુધી સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવ્યું નથી. જો અગાઉની ઘટનાઓની વાત કરીએ તો…
30 જૂને કચ્છમાં બકરી ઈદના દિવસે પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં મુસ્લિમ બાળકો સાથે હિન્દુ બાળકોને નમાજ અદા કરતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વાલીઓએ શાળામાં જઈ ભારે હોબાળો કર્યો હતો.
તે જ દિવસે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી કિડ્સ કિંગડમ સ્કુલમાં હિન્દુ બાળકોને બકરી ઈદની ઉજવણી માટે દબાણ કરાતા ભારે વિરોધ થયો હતો. આવા તઘલકી નિર્ણયને લઈ વાલીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા શાળા ખાતે ઉગ્ર વિરોધ કરાયો હતો.
આમ ગુજરાતની શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ શૈક્ષણિક સંસ્થાઓ ઓછી અને ધર્મની પ્રયોગશાળા વધુ હોય તેવું જોવા મળે છે. અવારનવાર આવા વિડિયો સામે આવે છે અને હિન્દુ સંગઠનોએ જાણે ન્યાય આપવાનો પરવાનો લીધો હોય તેમ કાર્યવાહી કરવા દોડી જાય છે. ત્યારે ગુજરાત સરકાર આ દિશામાં કોઈ દાખલરૂપ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.