Shree Vadiya Agarbati : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે. જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અપર્ણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતના વિદ્યાર્થિઓ માટે Good News, Drone applicationમાં કારકિર્દીની ઉત્તમ તક
જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતાં મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્યધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલાં આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર “ટીમ બનાસકાંઠા” નો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરુઆત થઇ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તાજેતરમાં જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વાડિયા ગામની મુલાકાત કરી હતી. જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે પ્રયત્નશીલ છે. યુનિસેફની ટીમ એ પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માતાઓ, ગર્ભવતી બહેનો, કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી.
બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે RSETI (Rural Self Employment Training Institutes) સાથે સંકલન કરી સખી મંડળની 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને RSETI દ્વારા તા. 9 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જેમાં વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું “શ્રી વાડિયા અગરબત્તી” (Shree Vadiya Agarbati) બ્રાન્ડનેમથી વેચાણનો શુભારંભ 16 મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે. વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે.
થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખીમંડળ બનાવાની કામગીરી અન્વયે વાડિયા ગામની બહેનો દ્વારા આઠ સખી મંડળ બનાવવામાં આવ્યા છે. અને બાકી બહેનોને પણ એમાં જોડાવવા પ્રયત્નો ચાલુ છે. તો બાકીની બહેનોને RSETI દ્વારા પશુપાલન તેમજ સાબુ ફિનાઈલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવનાર છે. જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે “શ્રી વાડિયા અગરબત્તી” ખરીદી બહેનોની મહેનત, લગન અને તેમની આત્મનિર્ભર બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી. તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે. જેમાંથી વાડિયા ગામની બહેનોની આર્થિક સધ્ધરતા અને આત્મસન્માન વધશે તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રસમા શક્તિપીઠ અંબાજીમાં “શ્રી વાડિયા અગરબત્તી” ની સુવાસ પથરાશે. તેમજ મહિલાઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહેશે. જેથી વાડિયા ગામની બહેનો રોજગારી મેળવી સન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે.
આ પણ વાંચો : 17 December : જાણો, આજનો ઈતિહાસ
અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે ગામમાં પીવાના પાણીના બોરનું નિર્માણ, શાળાનું મકાન, આંગણવાડી મકાન, શૌચાલય, મકાન સહાય, પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે તાત્કાલિક ચાર ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.