All India Police Band Competition : ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન (All India Police Band Competition)નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારી આ કોમ્પિટિશનમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમો મળી આશરે 1200 સ્પર્ધકો ભાગએ લીધો છે.
આ પણ વાંચો : મિશન શક્તિ યોજના એટલે શું? જાણો કઈ રીતે છે ઉપયોગી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના કરાઈ ખાતે અખિલ ભારતીય પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા 4થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પોલીસ અને પેરામિલિટરી ફોર્સના 1200 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
બેન્ડની ધૂન અલગ, સૂર અને ધ્યેય એક – હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા કહ્યું હતુ કે, આ પ્રતિયોગિતાનું આયોજન ગુજરાતમાં થયું તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રતિયોગિતામાં વિભિન્ન રાજ્યોમાંથી 19 ટીમ ભાગ લઈ રહી છે. આ તમામ બેન્ડની ધૂન ભલે અલગ છે પરંતુ તેમનો સુર અને ધ્યેય એક જ છે તે છે દેશભક્તિનો. સૌ બહાદુર જવાનો રાત દિવસ ખડેપગે દેશની રક્ષા કરી રહ્યા છે જેના થકી આપણો દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત છે.
24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં દેશના અલગ-અલગ 15 રાજ્યના પોલીસ વિભાગની બેન્ડ ટીમો ઉપરાંત પેરા-મીલીટરીની બેન્ડ ટીમો સહભાગી થઇ છે. આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો સહભાગી થઈ છે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની 17 ટીમ અને મહિલાની 1 ટીમ, પાઇપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની 13 ટીમ અને મહિલાઓની 6 ટીમ તથા બ્યુગલ કેટેગરીમાં પુરુષોની 19 ટીમો આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
સમગ્ર દેશમાંથી 1200થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ
ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ 1200થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે. આ સ્પર્ધા દરમિયાન ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ વિજેતા ટીમોના સ્પર્ધકોને પણ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
ક્યારે થઈ હતી બેન્ડ કોમ્પિટિશનની શરૂઆત
“ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પીટીશન”ની શરૂઆત વર્ષ 1999માં ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે અલગ-અલગ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો : બાળકીને હતો મેજર થેલેસેમિયા, મોટી બહેને બોન મેરો કર્યું ડોનેટ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ સ્પર્ધક ટીમો ઉપરાંત ઉપસ્થિત ઉચ્ચ અધિકારી સહિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે એડીજીપી નીરજા ગોટરું, ઓર્ગેનાઇઝીંગ કમિટીના ડીઆઇજીપી વિશાલકુમાર વાઘેલા સહિત આઇપીએસ અધિકારીઓ તથા સહભાગી રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.