PM Vishwakarma Scheme: સરકારની વિવિધ યોજનાના લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાસમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે. જેમાં રાજકોટ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme) માટે રાજકોટ (Rajkot) જિલ્લામાં 378 કારીગરોએ અરજી કરી છે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કે.વી. મોરીએ જણાવ્યુ હતું.
આ યોજના અન્વયે વાળંદ, દરજી, ધોબી, સોની, કડિયા, લુહાર, સુથાર સહિતના 18 વર્ષથી ઉપરના કારીગરોને સહાય મળશે. આ કારીગરોને રોજગારી કીટ ખરીદવા, તાલીમ સહિત રૂ. 3.15 લાખ સુધીની સહાય બે તબકકે મળશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સૌરાષ્ટ્ર અને કચ્છના અસંખ્ય કારીગરોને વિશ્વકર્મા યોજના થકી સંગઠિત કરી તેમની કારીગરીનો વ્યાપ અને વિસ્તાર વધારવા કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક યોજનાનું લોન્ચિંગ વડાપ્રધાનના જન્મદિને થયુ હતું. આ યોજના થકી કારીગરોને શ્રેષ્ઠ તાલીમ,રોજગારી કીટ (15 હજાર), 3 લાખની બે તબક્કામાં લોન આપવામાં આવશે.
દેશમાં પરંપરાગત વ્યવસાય સાથે લાખો લોકો સંકળાયેલા છે. વિસરાતી જતી કળા અને કારીગીરીને જીવંત રાખવા, આ કારીગરોની કુશળતાને પ્રવર્તમાન સમયની માંગ અનુસાર આધુનિકતાનો ઓપ મળી રહે અને તેઓ કુશળ વ્યવસાયકાર તરીકે ઉભરી આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળ વડાપ્રધાનના જન્મદિન18 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme) શરૂ થઇ હતી.
શરૂઆતમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતના મહેસાણા, પાટણ સહિતના પાંચ જિલ્લાઓમાં અને તા.15.11.2023થી સમગ્ર ગુજરાતમાં આ યોજના શરૂ થઇ. ત્યારબાદ રાજકોટ જિલ્લામાં તા. 15.11.2023થી શરૂ થયેલી યોજનાને વિકસિત ભારત યાત્રામાં સારો એવો પ્રતિસાદ મળી રહયો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કુશળ કારીગરોના સર્જનના ઉદેશ્ય સાથે શરૂ થયેલી આ યોજનાથી જુદા-જુદા18 વર્ગના કારીગરો માટે કૌશલ્ય તાલીમ, લોન સહાય તેમજ માર્કેટિંગ સપોર્ટ સાથે ઉચ્ચ રોજગારી મળશે. કારીગરો માટે વિશ્વ કર્મા વેબ પોર્ટલ પ્રારંભ થયું છે જેમાં કારીગરો નોંધણી કરાવી રહયા છે.
આ યોજનાનામાં 18 વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વાળંદ, દરજી, ધોબી, ઢીંગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત), સોની, શિલ્પકાર-મૂર્તિકાર-પથ્થરની કામગીરી કરનાર, બાસ્કેટ, મેટ અને સાવરણી બનાવનાર, કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી-પગરખા બનાવનાર, બખ્તર બનાવનાર (આર્મર૨), બોટ બનાવનાર, માછલી પકડવાની જાળી બનાવનાર, ફૂલોની માળા બનાવનાર, હથોડી અને ટુલકીટ બનાવનાર, તાળાં રીપેર કરનારનો સમાવેશ થાય છે.
આ યોજના માટેની પાત્રતા જોઈએ તો હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો આ યોજનાનો લાભ લઇ શકશે, આ લાભ કુટુંબદીઠ એક સભ્ય સુધી મર્યાદિત રહેશે, લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઇએ, તેમણે છેલ્લા 5 વર્ષમાં સ્વરોજગાર વ્યાવસાયિક વિકાસ માટે ધીરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઇએ.
મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિનાં લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે, સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે નહીં.
આ યોજના અંતર્ગત સફળ રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ. વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇ.ડી. કાર્ડ મળશે. ત્યાર બાદ રૂ. 15 હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. લાભાર્થીઓને દૈનિક રૂ.500ના સ્ટાઈપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. આ તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત સાથે એક લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે.
આ પણ વાંચો: રાજ્યકક્ષાના ઓપન યુથ ફેસ્ટીવલમાં રાજકોટને ગૌરવ અપાવતી ઈશિતા ઉમરાણીયા
લાભાર્થી બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દરરોજના રૂ.500ના સ્ટાઇપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકે છે. જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે. તેઓ 30 મહિનાના સમયગાળા સાથે રૂ. બે લાખ સુધીની બીજી લોન મેળવવાને પાત્ર બનશે.
ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, ઇ-કોમર્સ અને GM પ્લેટફોર્મ પર ઓન-બોર્ડીંગ, જાહેરાત, પ્રયાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવશે.
આ યોજના માટે ગામના ઇ-ગ્રામને કોમન સર્વિસ સેન્ટર (CSC)ની માન્યતા મળેલ છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં આવેલ કોમન સર્વિસ સેન્ટરમાંથી કારીગરોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રેહશે. રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, આધાર જોડે લીંક મોબાઇલ નમ્બર,બેન્કની વિગત, રેશન કાર્ડ વગેરે જોડવાના રહેશે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.