Dinesh Rathod, Gujarat, Khabri Gujarat
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામે અમરનાટ્ય કલા કેન્દ્ર ગ્રુપના દસ કલાકારોએ નાટકની કૃતિ થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. “સ્વચ્છતાના સાત પગલા” લોકનાટક દ્વારા ;માજના સગળતા વિવિધ પ્રશ્નો દહેજપ્રથા અને ઘરેલુ હિંસાથી થતું પતન, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ સંદેશ સહિતના મુદ્દાઓને આવરીને નાટક ભજવાયું હતું. આ નાટકમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ “સ્વચ્છતા હી સેવા” અભિયાન પર ભાર મુકવામાં આવ્યો હતો.
રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના માર્ગદર્શન હેઠળ અમરનાટ્ય કલા કેન્દ્રના 10 જેટલા કલાકારોએ નાટકની અસરકારક કૃતિ રજુ કરી
નાટકમાં ભીના અને સુકા કચરાનો યોગ્ય નિકાલ, શૌચાલયનું મહત્વ, તળાવ-કુવા વગેરેમાં ગંદકી ન થાય તે જોવું, જાહેર સ્થળોએ કચરો ન કરવો વગેરે બાબતો સારી રીતે વણી લેવાઇ હતી. આ ઉપરાંત, ભીના કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે કે ખુલ્લામાં શૌચક્રિયા કરવાથી જીવજંતુ તેમજ રોગચાળો ફેલાતો હોવાનું સમજાવીને આપણા ગામને નિરોગી અને સ્વચ્છ રાખવું એ આપણી સૌની જવાબદારી છે, તે સમજાવવામાં આવ્યું હતું.
આ નાટક જોવા ગામના તેમજ આસપાસના ગામોના બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ તેમજ યુવાનોએ ઉત્સાહપુર્વક સામેલ થયા હતા. ગામના ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ નાટક દ્વારા ગામના લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવશે અને ‘સ્વચ્છ અને સુઘડ ગામ’ બનાવવામાં મદદ મળશે. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગામના તમામ ઘરોમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત આવા કાર્યક્રમો પ્રશંસનીય છે.
આ પણ વાંચો: કિશોરીને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપતી 181 અભયમ ટીમ રાજકોટ
નોંધનીય છે કે, પરંપરાગત માધ્યમો થકી ગ્રામ્ય સંસ્કૃતિ, લોકકલા અને સાહિત્યને આગળ ધપાવતાં લોક-ડાયરા, પપેટ શો અને નાટકોનું આયોજન કરીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ આ કલાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમોમાં કલાકારો મનોરંજન સાથે માહિતીના અભિગમ થકી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યક્રમોની જાણકારી તેમજ સામાજિક પ્રગતિના સંદેશાઓ ગામેગામ પહોંચાડે છે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમોના આયોજનો થકી કલાકારોને તેમની કલા રજુ કરવાનું પ્લેટફોર્મ મળી રહે છે અને તેમને નિયત પુરસ્કાર રકમ પણ આપવામાં આવે છે.