Shivangee R Khabri Media Gujarati
ODI વર્લ્ડ કપની 29મી મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની છ મેચોમાં આ પાંચમી હાર છે. ભારતીય ટીમ હવે સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની નજીક છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે.
જસપ્રીત બુમરાહે 35મી ઓવરના પાંચમા બોલ પર માર્ક વુડને ક્લીન બોલિંગ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત આણ્યો હતો. વુડે માત્ર એક બોલનો સામનો કર્યો અને ખાતું ખોલાવી શક્યો નહીં. ડેવિડ વિલી 16 રન બનાવીને બીજા છેડે અણનમ રહ્યો હતો. વુડના આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. તેઓએ ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતના હવે છ મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે સેમીફાઈનલમાં પહોંચવાની નજીક છે. બીજી તરફ ઈંગ્લેન્ડને છ મેચમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે.