હવામાન ખાતાએ ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ હોવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીઓની ચિંતામાં વધારો થાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા કરેલી આગાહી અનુસાર, ગુજરાતના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ એવા નવરાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે. અંબાલાલે પોતાની આગાહીમાં કહ્યું છે કે, 17થી 19 સપ્ટેમ્બર વચ્ચે ભારે પવન સહિત કરા પડવાની શક્યતા રહેલી છે. આમ ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે.
તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, ગુજરાતના માથે વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બિપરજોય વાવાઝોડાએ ગુજરાતની ચિંતાઓ વધારી દીધી હતી. જોકે, ગુજરાત સરકારની સાવચેતીના કારણે જાનહાનિને ટાળી શકાઇ હતી. પરંતુ એક વખત ફરીથી નવરાત્રિ અને ભારત-પાકિસ્તાનની મેચના સમયે જ વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
બંગાળના સાગરમાં લો-પ્રેશર સર્જાવાના કારણે એક ચક્રવાત ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે. હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી 14 તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત છે. તેથી ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતું 14 ઓક્ટોબર બાદ વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાઇ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી છે.
તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ દિવસોમાં ખૈલેયાઓ પોતાની મસ્તીમાં હશે પરંતુ મેઘરાજા તેમની મસ્તીમાં અડચણો ઉભી કરી શકે છે. ઉપરોક્ત તારીખો દરમિયાન ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
અંબાલાલ પટેલ ગુજરાતમાં ચોમાસાની આગાહી પણ કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેથી તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જે કારણોસર ગુજરાત સહિત રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો આ શિયાળામાં હાડથિજવતી ઠંડી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.