આકાશમાં જોવા મળતા તારા મનુષ્ય માટે હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યાં છે. લોકોમાં જ્યારથી સમજવાની શક્તિનો વિકાસ થયો ત્યારથી તેઓ તારાઓ અને અવકાશને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યાં છે. જેને લીધે જ આજે માણસ ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી પહોંચ્યો છે. જો કે માનવ સભ્યતા અવકાશની કેટલી નજીક પહોંચી છે તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે અમે આપને એક એવા ધૂમકેતુ વિશે જણાવવા જઈ રહ્યાં છે કે જે બે દિવસ બાદ જોવા મળશે. સૌથી મોટી વાત તો એ છે તે આ ઘટના હવે પછી ચારસો વર્ષ પછી જોવા મળશે. એટલે કે આ ખગોળિય ઘટના મનુષ્ય માટે ઘણી મહત્વપૂર્ણ છે. તો આવો જાણીએ કે આ અદ્ભૂત નજોરો લોકો ક્યારે અને કેવી રીતે જોઈ શકશે.
ધૂમકેતુ નિશિમુરાની ઓળખ
ધૂમકેતુ નિશિમુરાની શોધ 12 ઓગસ્ટ 2023ના રોજ થઈ હતી. તેને જાપાનના એક ખગોળ ફોટોગ્રાફર હિદેઓ નિશિમુરાએ શોધી કાઢ્યો હતો. તેને લીધે જ આ ધૂમકેતુનું નામ ફોટોગ્રાફર નિશિમુરાના નામ પર રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ધૂમકેતુ દર વર્ષે સપ્ટેમ્બરમાં થનાર સિગ્મા હાઈડ્રિડ્સ સાથે જોડાયેલો હોય શકે. આપને જાણાવી દઈએ કે, આ તારો જ્યારે સૂર્યની નજીકથી પસાર થશે તો પોતાની પાછળ ધૂળ અને ખડકોના નાના નાના કણ છોડતો જશે.
ક્યારે જોવા મળશે ધૂમકેતુ નિશિમુરા
ઈગ્લેન્ડના હલ યુનિવર્સિટીમાં ઈએ મિલ્ને સેન્ટર ફોર એસ્ટ્રોફિજિક્સના નિર્દેશક પ્રોફેસર બ્રેડ ગિબ્સનનું કહેવું છે કે આ ધૂમકેતુને આપણે દૂરબીન વગર પણ જોઈ શકીશું. વૈજ્ઞાનિકો અનુસાર હાલ આ ધૂમકેતુ 3.86 લાખ કિમી પ્રતિકલાકની ઝડપથી પૃથ્વી તરફ વધી રહ્યો છે. આ કારણે જ 12 સપ્ટેમ્બરે તે પૃથ્વીથી માત્ર 12 કરોડ કિમી દૂર હશે અને લોકો તેને નરીઆંખે જોઈ શકશે. ભારતમાં નિશિમુરાને લોકો 12 સપ્ટેમ્બરે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે જોઈ શકશે. તેથી આ ખગોળિય ઘટનાનો લ્હાવો ચૂકશો નહી, કેમ કે આ ઘટના ફરી 400 વર્ષ પછી જ સર્જાશે અને તેને જોવા માટે આપણે રહેશું નહિ.