Shivangee R Khabri Media Gujarat
Nepal Earthquake : ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 નોંધવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquake in Nepal : નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. રુકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈએ પુષ્ટિ કરી કે સવારે 3:30 વાગ્યા સુધી (સ્થાનિક સમય) સુધી એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ 28 મૃત્યુ નોંધાયા છે. જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ જણાવ્યું કે ભૂકંપમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અન્ય ઘણી જગ્યાએથી લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ નેપાળમાં જાજરકોટ અને રુકુમ સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નુકસાનની સંપૂર્ણ માહિતી સવારે જ મળશે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
નેપાળ પીએમઓએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “”ત્રણ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક રાહત અને ઘાયલોને બચાવવા માટે તૈનાત કરવામાં આવી છે.”
નેપાળથી દિલ્હી-NCR સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
નોઈડા, NCRમાં ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘરની બહાર નીકળી ગયા. બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહારની રાજધાની પટનામાં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. પટનામાં એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે અચાનક તેનો બેડ અને સીલિંગ ફેન ધ્રૂજવા લાગ્યો. ભૂકંપ આવ્યો હોવાની જાણ થતાં જ તે તરત જ ઘરની બહાર નીકળી ગયો.
READ: દિલ્હી-એનસીઆર, યુપી, ઉત્તરાખંડ અને બિહારમાં લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા