જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમ દરમિયાન થયેલો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચે થયેલી બોલાચાલીને લઈ જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના મહિલા નેતાઓ વચ્ચે થયેલા વાણી વિલાસનો મામલો ભાજપ શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો.
મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાને મળ્યા હતા. પરિવારના મોભી પ્રવિણભાઈ કોઠારીએ આ અંગે જણાવ્યું કે અમે રજૂઆત કરી છે, અમારી કોઈ માગણી નથી. શહેર પ્રમુખે અમને આશ્વાસન આપ્યું છે. ભવિષ્યમાં આવું નહિ થાય. મહત્વનું છે કે ઔકાત શબ્દ અને રિવાબા જાડેજા દ્વારા કરાયેલા વાણીવિલાસ સામે મેયરના પરિવારજનોએ સખત વિરોધ નોંધાવ્યો હતો.
બીજી બાજુ ઘટના બાદ સાંસદ પૂનમબેન માડમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ. કે આ એક મિસ એન્ડર સ્ટેન્ડિંગ હતી અને ક્વિક રિએક્શન સિવાય બીજુ કશું નહોતું. પાર્ટી શિસ્તની વિરુદ્ધ સ્થળ ઉપર કશું જ બોલી નથી.
ઘટનાને લઈ રિવાબા જાડેજાએ કહ્યું હતું, કે શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે પહેલા શ્રદ્ધાંજલી આપી હતી. એમાં તેઓએ ચપ્પલ પહેલી રાખ્યા હતા. પછી મારો વારો આવ્યો એટલે મે ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મારા પાછી કોર્પોરેશનના લોકોએ પણ એજ રીતે કર્યું. અમે સાઇડમાં ઊભા હતા. ત્યારે સાંસદે ટિપ્પણી કરી કે, આવા કાર્યક્રમમાં પીએમ કે રાષ્ટ્રપતિ પણ ચપ્પલ નથી ઉતારતા, પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ ઉતારે છે. આ પ્રકારની ટિપ્પણી માફક ન આવતા મે સેલ્ફ રિસ્પેક્ટના ભાગ રૂપે જવાબ આપ્યો હતો.