Rajkot: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પર્યાય બની ચૂકેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટની 10મી શ્રેણીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના પહેલા ડીફેન્સ મશીન્સ-ટેક્નોલોજીના ઉત્પાદન એકમ માટે આ સમિટમાં સમજૂતી કરાર થવા જઈ રહ્યા છે. મેકપાવર સી.એન.સી. પોતાના નવા ‘મેકપાવર ડીફેન્સ’ નામના નવા અલગ યુનિટ માટે ગુજરાત સરકાર સાથે રૂ. 210 કરોડના એમ.ઓ.યુ. સાઈન કરશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘‘મેઈક ઈન ઈન્ડિયા’’ અંતર્ગત દેશમાં જ ઉત્પાદન કરવા ઉદ્યોગકારોને આહવાન કર્યું છે, જેને અનેક ઉદ્યોગકારોએ ઝીલી લીધું છે. આ અંગે મેકપાવર સી.એન.સી.ના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર રૂપેશ મહેતાએ જણાવ્યું હતું કે, ડીફેન્સના મશીન્સ તેમજ ટેક્નોલોજીના ઉત્પાદન માટે ‘મેકપાવર ડીફેન્સ’ નામના અલગ યુનિટની રચના કરવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગુજરાત સરકારની એરોસ્પેસ એન્ડ ડીફેન્સ પોલિસી-2016 અંતર્ગત ડીફેન્સ મશીન્સ-ટેક્નોલોજીના ઉત્પાદન માટે સૌરાષ્ટ્રનો આ પ્રથમ પ્રોજેક્ટ સાઈન થવા જઈ રહ્યો છે. મેકપાવર વતી સી.ઈ.ઓ. શ્રી નિકેશ મહેતા (ડાયરેક્ટર) આ એમ.ઓ.યુ. સાઈન કરશે.
આ પણ વાંચો: જેતપુરમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
તેમણે કહ્યું હતું કે, માત્ર ડીફેન્સ મશીન્સના ઉત્પાદન જ નહીં પરંતુ ડીફેન્સના મોડર્નાઇઝેશન અને ટેક્નોલોજી માટે પણ આ યુનિટમાં કામ થશે. જેમ કે ટી-90 ટેન્કનું આધુનિકરણ કરવાનું હોય કે ઈસરોના કોઈ અવકાશી મિશન માટે બનેલા પાર્ટસ હોય, કે પછી ડીફેન્સની અન્ય કોઈ જરૂરિયાતો, તેના રીસર્ચ, ટેક્નિકલ ગાઇડન્સથી લઈને ટ્રેનિંગ, ઉત્પાદન સુધીનું કામ આ યુનિટમાં કરવામાં આવશે. કુલ મળીને ડીફેન્સના મોડર્નાઈઝેશનની શક્ય તમામ કામગીરી આ યુનિટમાં થશે.
તેમણે કહ્યું હતું કે, આ યુનિટ માટે સરકાર પાસે 35 એકર જમીનની માગણી કરવામાં આવી છે. જમીન મળતાં પહેલા તબક્કો તત્કાલ શરૂ કરી દેવાની અમારી તૈયારી છે. કુલ મળીને ત્રણ તબક્કામાં, ત્રણેક વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાનો ઈરાદો ધરાવીએ છીએ.
તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં 1500થી વધુ માનવ સંસાધનની જરૂરિયાત રહેશે. આમ 1500થી 2000 જેવી સીધી રોજગારી આ પ્રોજેક્ટ સાકાર થતાં સર્જાશે. જ્યારે પરોક્ષ અને સંલગ્ન મળીને આશરે ચાર હજારથી વધુ લોકો માટે રોજગારીની તકો સર્જાશે.
નોંધનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે રાજ્યભરમાં દરેક જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ રાજકોટ સમિટમાં પ્રથમ દિવસે જ આશરે રૂપિયા 7150 કરોડથી વધુ રકમના આશરે 185થી વધુ એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં 20 હજારથી વધુ રોજગારીની તકો સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.