Republic Day : પ્રજાસ્તાક પર્વ હોય કે સ્વતંત્રતા દિવસ ગુજરાત દર વખતે ગુજરાતના કલા, સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી કરાવતા ટેબ્લો (Tableau) પરેડમાં પ્રદર્શિત કરે છે. ત્યારે આ વખતે ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ઝાંખીનું તા. 26 જાન્યુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ (Kartavya Path) પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં (National Parade) પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચો : આ છે વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ
Gujarat Tableau : બેસ્ટ ટુરિઝમ વિલેજ (Best Tourism Village) યાદીમાં સામેલ ધોરડોની (Dhordo) ઝાંખી દ્વારા તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતાં દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેબ્લોના મુખ્ય આકર્ષણમાં ધોરડોના ”ભૂંગા” તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, ”રણ ઉત્સવ”, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ સમા ગરબાનો સમાવેશ કરાયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ધોરડો : બેસ્ટ ટુરિઝમ વિલેજ
નોંધનીય છે કે, ધોરડોનો United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.
પ્રજાસત્તાક પરેડમાં કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થશે
આ વર્ષે પ્રજાસત્તાક દિનની (Republic Day) પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 75-માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગુજરાતના ટેબ્લોનું વિશેષ આકર્ષણ
ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને “ભુંગા” તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે. જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.
ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં ‘યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે; જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો : એક્ટર સૈફ અલી ખાન થયા હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ મતિ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટ યોગદાન આપી રહ્યાં છે. ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રીસિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યાં છે.