હેમુ ગઢવી હોલ ખાતે બે દિવસ દરમ્યાન 37થી વધુ કલાકારો તેમની નૃત્યકલાનાં કામણ પાથરશે
Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot News: નૃત્ય કલાના કલાકારો માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્રથમ વાર “કલ કે કલાકાર” કાર્યક્રમની પૂર્વ કસોટીનું આયોજન કરાયું હતું, બે દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 37 મહિલા અને પુરૂષ કલાકારો તેમની નૃત્યકલાના કામણ રાજકોટની જનતા સમક્ષ રજૂ કરશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, રાજકોટ દ્વારા ‘‘કલ કે કલાકાર-શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ 2022-23’’ ની પૂર્વ કસોટી (ઓડીશન) રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ હતી.
આ પૂર્વ કસોટી પ્રતિયોગિતામાં 17 થી 25 વયના પ્રતિયોગીઓએ 12 જેટલી શાસ્ત્રીય નૃત્યની કલાકૃતિઓ રજૂ કરી હતી. જેમાં ગુજરાતના વિભિન્ન રાજ્યોના નૃત્યકારોએ ભરતનાટ્યમ, કથ્થક, ઓડીસી, મણિપુરી સહિતની વિભિન્ન નૃત્ય કલાને રજૂ કરી હતી. આ અવસરે કચ્છથી આવેલ સ્પર્ધક બાગેશ્રી ચંદેએ જણાવ્યું હતું કે શાસ્ત્રીય નૃત્ય એ આગામી પેઢીને નૃત્યનો પરિચય આપે છે. અને શોખ સાથે કલાને શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર સુધી પહોંચવાની વિશેષ તક પુરી પાડે છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાનો થયો પ્રારંભ
આ તકે જિલ્લા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી રાજેશ લકુમ, રાજકોટના સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા, તેમજ નિર્ણાયક ડો. એશ્વર્યા વોરિયર, ડો. સ્વાતિ મહેતા, સુપ્રભા મિશ્રા, અવનીબેન પગર અને કૃપલબેન સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન મોદીએ કર્યું હતું.