Junagadh-Girnar : ગિરનાર આદિકાળથી ધર્મ, અધ્યાત્મ, સદભાવના, સુ-શાસનની ભૂમિ રહી છે. અહીંના ધાર્મિક સ્થળો લોકોમાં ધર્મભાવના પ્રેરે છે. આ આધ્યામિક ખોજની ભૂમિ છે, જે સાધકોને સ્વથી ઉપર ઊઠીને સમષ્ટિ અને વસુધૈવ કુટુંબમ્કના ભાવ તરફ દોરે છે.
આ પણ વાંચો : ભારતની સ્વતંત્રતાથી લઈને ‘સ્વતંત્ર જુનાગઢ’ સુધીની કહાની
મહાભારતના (Mahabharat) વનપર્વથી લઈને સ્કંદ પુરાણમાં સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)માં આવેલા ઉજ્જયંત પર્વત (ગિરનાર)નો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં ધૌમ્ય ઋષિ ભારત વર્ષમાં આવેલા તીર્થો વિશે યુદ્ધિષ્ઠિરને (Yudhishthir) જ્યારે માહિતી આપતા કહે છે કે, સુરાષ્ટ્રેષ્વપિ વક્ષ્યામિ પુણ્યાન્યાયતનાતિ ચ… ઉજ્જયન્તશ્ચ શિખરી ક્ષિપ્રં સિદ્ધિકરો મહાન્… – અર્થાત પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો અને સરોવરો સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)માં આવેલા છે… તરત જ સિદ્ધિ આપનારો ઉજ્જયંત (Ujaint) નામનો મોટો પર્વત છે. (સંદર્ભઃ સંશોધન, ૨૦૦૫, કે.કા.શાસ્ત્રી)
જૂનાગઢના અનેક નામ છે
ઉપરાંત વિષ્ણુપર્વમાં ગિરિપુર (Giripur) શબ્દનો ઉલ્લેખ છે. તો વાયુ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, વામન પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ ઉજ્જયંત પર્વત (ગિરનાર)નો કોઈને કોઈ રીતે ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત સ્કંદ પુરાણમાં રૈવતક નામ પણ છે. આ ઉપરાંત જૂનાગઢના (Junagadh) પ્રાચીન નામોમાં કરણકુંજ, મણિપુર, રૈવત, ચંદ્રકુંપુર, નરેન્દ્રપુર, ગિરિનગર અને પૌરાતનપુર પણ જાણીતા છે. (સંદર્ભઃ સંશોધન, ૨૦૦૫, પ્રા.મનીષા પરમાર)
જૂનાગઢ-ગિરનાર (Junagadh-Girnar) એ પવિત્ર ભૂમિ છે, કે જ્યાં ઈશ્વરીય અવતારના પ્રાગટ્ય અને તેના વિચરણની કથાઓ સંકળાયેલી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આધ્યાત્મિકતાનું પર્યાય છે જૂનાગઢ
સતયુગમાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન ભગવાન જ્યાં પ્રગટ થયા હતા એ વામનસ્થલી (આજનું વંથલી) પણ જૂનાગઢમાં છે. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ યુક્તિથી કાળયવનનો સંહાર અહીંની મુચકુંદ ગુફામાં (Muchkund Gufa) કર્યાની કથા છે. ભગવાન કૃષ્ણ જેમનો કેદાર રાગ સાંભળીને દોડી આવતા એ નરસિંહ મહેતાનું ધામ પણ જૂનાગઢ છે. ભગવાન શિવે ગિરનારમાં આસન જમાવ્યાની પણ કથાઓ છે. ગિરનારમાં દત્ત શિખર પર ભગવાન દત્તાત્રેયનો કાયમી ધૂણો છે. નવનાથે પણ અહીં જ અલખના ધૂણા ધખાવેલા છે.
સદીઓ જુનો જૂનાગઢનો ઈતિહાસ
ગિરનારમાં (Girnar) અનેક સિદ્ધ સંતો, યોગીઓ, અઘોરીઓ થઈ ગયા છે અને આજે પણ મોજૂદ છે. ગિરનાર ઉપર સિદ્ધચોરાસી સંતોનાં બેસણા છે. જગદંબા મા અંબાજી અહીંના શિખર પર સાક્ષાત બિરાજમાન છે. 12મી સદીમાં રા’ ખેંગારની (Ra Khengar) વીરગતિ પછી ગિરનારને ખળભળાવી દેનારા સતિ રાણક દેવી (Sati Ranak Devi) અને તેમની જ એક હાકથી ફરી રોકાઈ જનારા ગિરનારની કથા પણ અહીંના લોકસાહિત્યમાં જાણીતી છે.
જૈન ધર્મમાં પણ ગિરનારનું વિશિષ્ટ મહત્વ છે. સમગ્ર ભારતમાં જે પવિત્ર જૈનસ્થાનો – આગમ પ્રતિષ્ઠિત મહાતીર્થોમાં ઉજ્જયંતગિરિ એટલે કે ગિરનારની ગણના થાય છે.
આમ જૂનાગઢ – ગિરનાર (Junagadh Girnar) આદિકાળથી સનાતન સંસ્કૃતિનું ઊર્જાકેન્દ્ર છે. આ ધર્મભૂમિ ઉપર 26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે, ત્યારે ધર્મધ્વજના સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજના લહેરાવાનો સુભગ સમન્વય રચાશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જૂનાગઢના ઈતિહાસમાં (Junagadh History) થઈ ગયેલા શાસકો અને તેમની શાસનપ્રલાણી આજે પણ પ્રજાલક્ષી શાસનના ઉદાહરણ અને પ્રેરણારૂપ છે. મૌર્ય કાળમાં જૂનાગઢ ગિરિનગરી તરીકે જાણીતું હતું અને ગુજરાતનું પાટનગર હતું. ઈ.સ.પૂર્વે 319માં ચંદ્રગુપ્ત મૌર્યના (ChandraGupt Maurya) સૂબા પુષ્યગુપ્ત વૈશ્યએ જળસંચયના ભાગરૂપે સુવર્ણરસિકતા નદી પર બંધ બાંધ્યો હતો. જેનું નામ સુદર્શન સરોવર (Sudarshan Lake) રાખવામાં આવ્યું હતું. પ્રજાલક્ષી શાસનનું આ ઉદાહરણ હતું.
એ પછી સમ્રાટ અશોકે અશોકના શિલાલેખો (Ashok Shilalekha) મારફત વિવિધ ધર્મઆજ્ઞાઓ સાથે લોકોને નીતિમત્તા સાથે જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ શિલાલેખો કલ્યાણ રાજ્યના ઉદાહરણ અને પ્રેરણારૂપ છે.
આગામી 26મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવા જઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર કલ્યાણ રાજ્યના આદર્શ સાથે કરોડો રૂપિયાના લોક-કલ્યાણકારી વિકાસકાર્યોની ભેટ સાથે જૂનાગઢના દ્વારે આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાળમાં, 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વોને વિકાસપર્વ સાથે સાંકળીને વિવિધ જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી હતી. પ્રજાલક્ષી પ્રશાસનની આ વિભાવનાને સાર્થક કરતાં આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે, ત્યારે તેની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે.
@સંદીપ કાનાણી