Unique Polling Stations : મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે.
આ પણ વાંચો – ભારતમાં જ રમાશે IPL 2024ના તમામ મેચ, જાણો ક્યાં રમાશે ફાઇનલ
Unique Polling Stations : ગુજરાત રાજ્યમાં પણ એવા અનેક વિસ્તારો છે, જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યભરના 11 સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે.
તો આવો જાણીએ એવા મતદાન મથકો વિશે, જે ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના સંકલ્પને સાર્થક કરવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયાસોની સાક્ષી પૂરી રહ્યા છે.
બાણેજ – ગીર સોમનાથ
ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન વસે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે 2007 થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સાપ નેસ બિલિયા – ગીર સોમનાથ
સાપ નેસ બિલિયા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં 2007 થી 23 પુરૂષો અને 19 મહિલા મતદારો મળી માત્ર 42 મતદારો માટે તંબુ (Tent) માં એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
માધુપુર અને જાંબુર – ગીર સોમનાથ
14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં કુલ 3,115 મતદારો છે.
શિયાળબેટ ટાપુ – અમરેલી
શિયાળબેટ એ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે, જે અમરેલી જીલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.72 હેક્ટર છે, જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કર્મચારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 5,048 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને 5 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આલિયાબેટ – ભરૂચ
આલીયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (151-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં 136 પુરૂષ અને 118 સ્ત્રી મળી કુલ 254 મતદારો છે. આલીયાબેટ અગાઉ 151-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક 68-કલાદ્રા-02નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવતા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે લાંબા અંતર સુધી પ્રવાસ કરવો પડતો હતો. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022થી જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી આલીયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી આ કન્ટેઈનરમાં તમામ Assured Minimum Facilities (AMF) પુરી પાડી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે રહેઠાણથી નજીકની જગ્યાએ મતદાન કરી શકશે.
રાઠવા બેટ – મહિસાગર
રાઠડા બેટ એ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર 381 પુરૂષ અને 344 સ્ત્રી મળી લગભગ 775 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. જ્યાં તમામ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
ચોપડી – નર્મદા
નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડી (પી.એસ નં. 04) થી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-02 (પી.એસ નં. 04) બનાવવામાં આવ્યું છે, જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર 134 મતદારો (72 પુરૂષો અને 62 મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે.
સાતવિરડા નેસ, ભુખબરા નેસ અને ખારાવિરા નેસ – પોરબંદર
પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે 84-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે કે 63-સાતવિરડા નેસ (883 મતદારો), 64-ભુખબરા નેસ (634 મતદારો) અને 65-ખારાવીરા નેસ (787 મતદારો); આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો એરિયા હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.
અજાડ ટાપુ – દેવભૂમિ દ્વારકા
અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, આ ટાપુ દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર આવેલો છે. આ વિસ્તારના માત્ર 40 જેટલા મતદારો માટે તંબુ (Tent) માં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે.
કિલેશ્વર નેસ – દેવભૂમિ દ્વારકા
કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે નેસ વિસ્તારમાં બરડા પર્વતના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારમાં 516 મતદારો નોંધાયેલા છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.
કનકાઇ, જુનાગઢ
કનકાઈ મતદાન મથક ઊંડા જંગલ વિસ્તારમાં અને “નેસ” વિસ્તારમાં સ્થિત છે. આ વિસ્તારમાં કુલ 121 મતદારો નોંધાયેલા છે. સંદેશાવ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.