Kutch: રાજયપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અને લેડી ગવર્નર દર્શનાદેવી ધોરડો ખાતે સફેદ રણની (Desert of Kutch) મુલાકાતે પધાર્યા છે. ઢળતી સાંજે સનસેટ પોઇન્ટ પર તેઓ સફેદ રણની શ્વેતવર્ણી ધરતી પર સુર્યાસ્તની સોનેરી આભા પથરાતી નિહાળીને રોમાંચિત થયા હતા. રણમાં તેમણે કચ્છી પરંપરાગત ઊંટગાડીની સવારી પણ કરી હતી.
રાજ્યપાલએ રણોત્સવમાં તાજેતરમાં શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરવાતો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ નિહાળ્યો હતો. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી રાજ્યપાલ કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત અને વર્તમાનના સાક્ષી બન્યા હતા.
રણમાં ઉપસ્થિત પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકોને મળીને રાજ્યપાલએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન તેમણે બાળકોને “ખૂબ પઢો, ખૂબ આગે બઢો” એવી શુભકામનાઓ પાઠવી હતી.
કચ્છના રણની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ધોરડો ગામના સરપંચ મિયાં હુસેન સાથે વાતચીત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે આ રણ ભૂમિ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ બન્યું તેની માહિતી મેળવી હતી.
મિયાં હુસેને તેમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે અમે આ ગામ ખાલી કરીને જવાનું વિચારતા હતા અને આજે સફેદ રણ અને રણોત્સવના કારણે આખી દુનિયા અહીં આવે છે.
આ રણ વિસ્તાર કેવી રીતે તબક્કાવાર વિશ્વ પ્રવાસનના મહત્ત્વનાં કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો અને આ વિસ્તાર સહિત સમગ્ર કચ્છના કલાકારોને રાજગારી પણ મળી વગેરે વાત કરી હતી.
તેમણે રણોત્સવના કારણે ધોરડો વિલેજની બદલાયેલી દિશા, કચ્છના પશુધન અને બન્નીના ઘાસની વિશેષતાઓની માહિતી રાજ્યપાલને આપી હતી.
આ પણ વાંચો: ચાલો જાણીએ, રાજ્યપાલની બંધારણીય શકિતઓ અને આપણા વર્તમાન રાજ્યપાલ વિષે
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ સાથે ભુજ પ્રાંત અધિકારી એ.બી.જાદવ, મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એ.આર. ઝનકાંત, ભુજ ગ્રામ્ય મામલતદાર બી.એન. શાહ સહિત અધિકારીઓ તથા પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.