Kisan Divas : ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના માનમાં દર વર્ષે 23મી ડિસેમ્બરને “કિસાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂતો પ્રતિ આભાર વ્યક્ત કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. બાગાયતી ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ, માર્ગદર્શન તથા તાલીમના કારણે આજે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ સરકારની વિવિધ સહાયના કારણે આજે રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાને બદલે બાગાયત ખેતી તરફ વળ્યા છે. જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખમીસણા ગામના એક એવા જ ખેડૂતની વાત કરવાની છે, જેમણે દાડમની બાગાયતી ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો : બાળકોને કફ સિરપ આપતા હો તો સાવધાન, સરકારે લગાવ્યો પ્રતિબંધ
પોતાને દાડમની બાગાયતી ખેતીમાં મળેલી સફળતાની વાત કરતા ખમીસણા ગામના રઘુભાઈ રબારી હર્ષ સાથે જણાવે છે કે, શરૂઆતમાં હું કપાસ, બાજરી, ઘઉં, જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી કરતો હતો. પરંતુ તેમાં ઉપજ ઓછી અને ખર્ચ વધુ હોવાથી નફો કઈ ખાસ થતો નહોતો. પાણીની સગવડ હોવાથી એક ના એક પાક વાવવાના બદલે કંઈક નવીન કરવું એવું વિચારી બધે તપાસ કરતા ખેતીની પદ્ધતિ બદલી બાગાયતી પાકોની ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું. આમ બાગાયતી પાકો વિશેની જાણકારી મેળવી અને તેમાં પણ દાડમની ખેતી તરફ વિશેષ આકર્ષણ ઊભું થતા તેનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર માટે સબસીડી અને આર્થિક સહાય વિશેની વિગતવાર જાણકારી બાગાયતી ખાતાના અધિકારીઓ પાસેથી મેળવી તેમના માર્ગદર્શન હેઠળ દાડમનું વાવેતર કર્યું. આજે પરંપરાગત ખેતી કરતા દાડમની ખેતીમાં વળતર પણ વધારે રહે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પોતે કરેલા વાવેતર વિશેની માહિતી આપતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2018માં મેં 25 એકર જેટલા વિસ્તારમાં ભગવા સિંદુરી અને ભગવો જાતના આશરે 9000 જેટલાં દાડમના છોડનું વાવેતર કર્યું હતું. જેમાં પ્રથમ વર્ષે છોડ દીઠ 12 થી 15 કિલોગ્રામ જેટલું ઉત્પાદન મેળવ્યું હતું. આજે છોડ પર 300 ગ્રામથી 700 ગ્રામ સુધીના વજનવાળા દાડમ આવે છે. ભૂંડ જેવા પ્રાણીઓથી બચવા માટે મેં ખેતરની ફરતે તારની વાડ કરી છે. જેના કારણે આજે મારા દાડમ ટકી રહ્યા છે. વધુમાં તેમણે હરખભેર ઉમેર્યું હતું કે, આ વર્ષે થયેલ દાડમની સમગ્ર ઉપજ મેં રૂ. 2 કરોડ અને 24 લાખમાં ઉત્તર પ્રદેશના એક વેપારીને આપી દીધી છે. તે વાડીએ આવીને જ ઘરે બેઠા દાડમ લઈ જાય છે એટલે વેચાણમાં પણ કોઈ પણ જાતની તકલીફ પડતી નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બાગાયત વિભાગ તરફથી મળેલી સહાય વિશે વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દાડમ ફળપાક વાવેતરમાં ખર્ચના 65 % સહાય મળી છે. ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરમાં પણ ખર્ચના 50 % અને ગ્રો કવરમાં પણ મેં સહાય મળેલી છે. વધુમાં રઘુભાઈએ હરખ સાથે જણાવ્યું હતું કે, હજુ પણ બીજી 40 એકરમાં જમીનમાં દાડમનું વાવેતર કરવાનું આયોજન છે. તેમાં પણ બાગાયતી ખાતાની સબસીડી લેવાનો વિચાર છે. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા જણાવ્યું હતું.
નાયબ બાગાયત નિયામક મુકેશભાઈ ગાલવાડિયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધ સુકા વિસ્તારની છે. તેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. જિલ્લામાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર લગભગ તમામ તાલુકાઓમાં વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો લીંબુ, દાડમ, જામફળ, બોર, કમલમ, દ્રાક્ષ જેવા અલગ-અલગ પાકોની ખેતી કરે છે. ચાલુ વર્ષે અંદાજિત બાગાયતી પાકોમાં 400 થી 500 હેક્ટર જેટલા વિસ્તારનો વધારો થયો છે. જિલ્લાના ખેડૂતો દાડમની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : Vivek Bindra vs Sandeep Maheshwari : જાણો શું છે ઝઘડાનું મૂળ?
દાડમના પાકને પણ જિલ્લાનું હવામાન માફક આવે છે. ગત વર્ષે ખેડૂતોએ બાંગ્લાદેશ સુધી દાડમ મોકલી હતી. આ વર્ષે પણ બાંગ્લાદેશ તેમજ દુબઈ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના દાડમની નિકાસ થવાની છે. આમ બાગાયતી ક્ષેત્રે જિલ્લાના ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. બીજા ખેડૂતો પણ તેનાથી આકર્ષાઈને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા સંદેશો પાઠવ્યો હતો.