પ્રસાદમાં ભેળસેળ : મોહનથાળનો પ્રસાદ જ કેમ હોય છે વિવાદનું કેન્દ્ર?

ખબરી ગુજરાત
Spread the love

યાત્રાધામ અંબાજીમાં ગત ભાદરવી પૂનમના મેળવામાં લાખોની સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનના લાહવા સાથે મેળાનો આનંદ લીધો હતો. મેળા દરમિયાન પ્રસાદમાં બનાવવામાં આવેલા મોહનથાળમાં ઉપયોગમાં લેવામાં આવેલાં ઘીના નમૂના ફેઈલ થવાને લઈ તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. ભેળસેળિયા ઘી દ્વારા તૈયાર થયેલા પ્રસાદને લઈ લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયાનું પુરવાર થાય છે. જો કે આ કૌભાંડ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી તો થશે જ એવી આશા છે. પરંતું લોકોના મનમાં એક જ સવાલ છે કે હંમેશા અંબાજીના પ્રસાદને લઈને જ કેમ વિવાદ થાય છે? કે પરદા પાછળ કોઈ મોટુ ષડયંત્ર રચાઈ રહ્યું છે! આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અંબાજીમાં મોહનથાળ અને ચિક્કીના પ્રસાદને લઈ ભારે હોબાળો થયો હતો.

ગુજરાત જ નહિ પરંતુ ભારતભરના લોકોના આસ્થાનું કેન્દ્ર અને 51 શક્તિપીઠોમાંથી એક એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પ્રસાદ વિવાદને લઈ અવારનવાર ચર્ચામાં રહ્યું છે. તે પછી મોહનથાળના પ્રસાદ બદલે ચીક્કીનો પ્રસાદ આપવાના નિર્ણય કરી લોકોની લાગણીઓ સાથે ચેડા કરવાનો હોય કે મોહનથાળના ભેળસેળયુક્ત ઘીમાંથી પ્રસાદ બનાવી લાખો માઈભક્તોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો હોય. ત્યારે સવાલ એક જ આવે કે કેમ અંબાજીનો પ્રસાદ જ વારંવાર વિવાદના કેન્દ્રમાં હોય છે? આ સમગ્ર ઘટનાઓના તાર જોડતા તો એવું દેખાય છે કે ક્યાંક એવું તો નથી કે મોહનથાળમાં થયેલી ભેળસેળને લીધે ફરી ચીક્કીના પ્રસાદ તરફ લોકોને વાળવામાં આવી રહ્યાં હોય. એવી પણ શક્યતાઓ છે કે લોકોના માનસમાં મોહનથાળ પ્રસાદને લઈ ખોટું ચિત્ર ઊભુ કરાયું હોય.

શું હતો મોહનથાળ VS ચિક્કી પ્રસાદ વિવાદ?

છ મહિના અગાઉ અંબાજીમાં પ્રસાદને લઈ ભારે વિવાદ થયો હતો. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોહનથાળ VS ચિક્કી વિવાદ ભારે વકર્યો હતો. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બદલે ચિક્કીનો પ્રસાદ આપવાને લઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પ્રસાદ બદલાવવાને લઈ લોકો મંદિર ટ્રસ્ટીથી માંડી રાજ્ય સરકાર સામે પણ લડી લેવાના મૂડમાં હતા. પ્રસાદના વિવાદને લઈ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો હતો. એકબાદ એક રાજકીય નેતાઓના નિવેદનોને લીધે પ્રસાદ વિવાદે મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતુ. બીજી બાજુ લોકો અને અલગ અલગ સંગઠનો દ્વારા પણ વિવિધ રીતે પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ કરાયો હતો. જો કે આખરે સરકાર અને મંદિર ટ્રસ્ટ ઘૂંટણીએ આવી ગયું હતું અને મોહનથાળને પ્રસાદરૂપે આપવાનું શરૂ કરાયું હતુ.

ફરી વિવાદના કેન્દ્રમાં મોહનથાળ જ કેમ?

છ મહિના બાદ ફરી મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયું ઘી વપરાયું હોવાનું અને લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયું હોવાનું સામે આવતા મોટો વિવાદ સર્જાયો છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. તે દરમિયાન પ્રસાદરૂપે આપવામાં આવતા મોહનથાળના સેમ્પલ ફેઈલ થતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં પ્રસાદ બનાવતી એજન્સી મોહની કેટરર્સથી માંડી 300 જેટલા નકલી ઘીના ડબ્બા પધરાવનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક સામે કાર્યવાહી થઈ છે. તેમજ આ મુદ્દે પોલીસ દ્વારા સઘન તપાસ પણ શરૂ કરાઈ છે, પરંતું સવાલ એ છે કે આ કૌભાંડ માટે પ્રસાદ બનાવતી એજન્સી જવાબદાર છે કે માત્ર મોહરા? એવું પણ હોય શકે આ ખેલનો મુખ્ય ખેલાડી પરદા પાછળ રહીને આખો ખેલ પાડતો હોય અને વારંવાર લોકોની આસ્થા સ્વાસ્થ્ય સાથે રમત રમતો હોય…

READ: khabrimedia, Latest News Gujarat-Top News Gujarat- Big news of Gujarat-Gujarati News-Updated News today-