Arzi Hokumat : જુનાગઢ એ ‘પ્રજાશક્તિ’ના વિજયનું પ્રતીક છે. હાલ દેશ માટે આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે, દરમિયાન અહીં ‘પ્રજાસત્તાક’ પર્વની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે.
આ પણ વાંચો : સાવધાન: દુનિયાનો સૌથી ખતરનાક ‘ઝોમ્બી’ વાયરસ આવી રહ્યો છે
Arzi Hokumat : જુનાગઢ એટલે સિદ્ધ સંતો-મહંતો, સારસ્વતોથી લઈને શૌર્યવાન પ્રજાની ભૂમિ. આ નગરી ઐતિહાસિક છે. સાહિત્યથી લઈને ઇતિહાસ, પ્રાચીન પરંપરાથી લઈને અધ્યાત્મ, પ્રવાસન, ભૌગોલિક વિશેષતા, કૃષિ વગેરે અનેકવિધ બાબતોમાં આ નગરી પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે. આગામી 26મી જાન્યુઆરીએ, જુનાગઢમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની (Republic Day) રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, સરકારી તંત્રની સાથે સાથે નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ છે.
નવાબે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી
‘પ્રજાસત્તા’નો અર્થ એવો થાય છે કે, જ્યાં પ્રજાની સત્તા હોય.. જુનાગઢની પ્રજાએ તો સન 1947માં દેશની આઝાદીના સમયે જ આ વાતને ચરિતાર્થ કરી હતી. એ સમયે જુનાગઢના નવાબ મહાબતખાન-ત્રીજાએ (Nawab MahabatKhan 3rd) 15મી ઓગસ્ટ, 1947ના રોજ એક ગેઝેટ બહાર પાડીને જુનાગઢ રાજ્યને (Junagadh State) પાકિસ્તાન (Pakistan) સાથે જોડવાની જાહેરાત કરી હતી. દીવાન શાહનવાઝ ભુટ્ટોની (Diwan Shahnawaz Bhutto) કાન ભંભેરણીથી નવાબે પ્રજામતને ધ્યાનમાં લીધા વિના અને પ્રજાની લાગણીને અવરોધીને આ નિર્ણય કર્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જેના પગલે જુનાગઢ સહિત સમગ્ર કાઠિયાવાડમાં (Kathiyawad) ખળભળાટ મચી ગયો હતો અને લોકો લાલઘૂમ થઈ ગયા હતા. ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો.
ભારત દેશ સાથે જોડવાની પ્રજાની લાગણી અને પ્રજામતને નવાબ માને તેમ નહોતા. આથી જુનાગઢની પ્રજાએ નવાબના નિર્ણયના વિરોધમાં જઈને, જુનાગઢને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા, સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Patel) માર્ગદર્શન પ્રમાણે લડત લડવાનો નિર્ધાર કર્યો હતો.
આ રીતે આરઝી હકૂમતની સ્થાપના થઈ
શરૂઆતમાં મુંબઈમાં રહેતા જુનાગઢ- કાઠીયાવાડવાસીઓ દ્વારા 19મી ઓગસ્ટ, 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી. જેમાં ઢેબરભાઈ, શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવા નામી આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં નવાબ મહાબતખાન ત્રીજાને સમજાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી થયું હતું. આ સાથે મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જુનાગઢની ‘આરઝી હકૂમત’ (Arzi Hokumat) નામની સમાંતર સરકાર સ્થાપી, તેને જુનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી હતી. આ સરકારનો અને જુનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો.
આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જુનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ્’ દૈનિકના તંત્રી શામળદાસ ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી શ્રીમતી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતા.
આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ ગાંધીજીએ પણ પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે, ‘જૂનાગઢ પાકિસ્તાનસે જાના ચાહિયે.’
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરંત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જુનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ) કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું.
ત્યારબાદ આરઝી હકૂમતે (Arzi Hokumat) જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી. સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટાં શહેરોમાં જુનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ હતી.
અમરાપુર ગામમાં આરઝી હકૂમતનો કબ્જો
વિજયા દશમીના દિવસે આરઝી હકુમતે (Arzi Hokumat) સૌપ્રથમ અમરાપુર ગામ પર કબજો મેળવ્યો હતો. આરઝી હકૂમતની લડતમાં અનેક નામી અને અનામી આગેવાનો – સ્વાતંત્ર્યવીરો જોડાયા હતા. એમાંના એક બિલખાના દુર્લભજીભાઈ નાગ્રેચાનું પણ યોગદાન હતું. તેમણે આરઝી હકુમતના ગુપ્તચર વિભાગમાં સેવા આપી હતી અને તેમના પત્ની વિજયાલક્ષ્મી બહેને મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું હતું. આરઝી હકૂમતના કાર્યકરો સેનાનીઓ અને સમર્થકો એક પછી એક ગામ કબજે કરવા લાગ્યા હતા અને અંતે પ્રજાશક્તિનો વિજય થયો હતો.
9 નવેમ્બરે જુનાગઢમાં ફરક્યો રાષ્ટ્રધ્વજ
પ્રજાશક્તિનો પરચો થઈ જતાં જુનાગઢના નવાબ ઓક્ટોબર 1947ના અંતમાં કેશોદથી વિમાનમાં પાકિસ્તાન ભાગી ગયા હતા. આમ નવાબે જુનાગઢ રાજ્ય છોડી દેતા, 9મી નવેમ્બરે બપોર પછી સોરઠ પ્રદેશના પ્રાદેશિક કમિશનર નિલમભાઈ બુચે જુનાગઢ આવી વિધિવત રીતે કબજો સંભાળ્યો અને ઉપરકોટ (Uparkot) પર સૌપ્રથમ હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જુનાગઢની મુલાકાત દરમિયાન બહાઉદ્દીન કોલેજના મેદાનમાં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ભારતમાં જોડાવાનો મત આપ્યો હતો.
આ પણ વાંચો : જાણો, દિલ્હીના કર્તવ્યપથ પર ક્યાં વિષય પર રજૂ થશે ગુજરાતનો ટેબ્લો
આમ પ્રજાશક્તિએ મળીને જુનાગઢમાં પ્રજાસત્તા સ્થાપી હતી અને જુનાગઢ નગર પ્રજાસત્તાક દેશ ભારતનો અભિન્ન હિસ્સો બન્યું.
આઝાદીના અમૃતકાળમાં પ્રજાશક્તિના સાક્ષી એવા જુનાગઢ મહાનગરમાં આ વખતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે આ પર્વ યાદગાર બની રહેશે.
@સંદીપ કાનાણી