અમદાવાદ: અમદાવાદથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ મેચથી ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાનની મેચની ટીકિટ મેળવવા માટે જેવી રીતની પડાપડી થઈ છે, તેવી જ રીતે હોટલો બૂક કરાવવામાં પણ થઈ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓકટોબરના રોજ યોજાનાર મેચને લઇને હોટેલ્સના ભાડા 4થી 5 ગણા વધી જતાં ક્રિકેટ મેચ જોવા વિદેશમાં વસતા ગુજરાતીઓએ એક નવો જ નૂસખો અજમાન્યો છે. આ ક્રિકેટ રસિકોએ મેડિકલ ચેકઅપના નામે હોસ્પિટલમાં રૂમ બુક કરાવી લીધા છે.
ક્રિકેટ રસિયાઓના કિમિયા પર આહના એક્શનમાં આવ્યું છે. આહના પ્રમુખે હોસ્પિટલોને કડક સૂચના આપી છે. હોસ્પિટલના દર્દીઓને પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. કેટલાક લોકો મેચ માટે બોડી ચેકઅપના નામે બુકિંગ કરી રહ્યા છે. આ પ્રકારના બુકિંગ ન લેવા સૂચના અપાઈ છે.
આગામી 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. આ મેચ જોવા ક્રિકેટ રસિયાઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચની તારીખ જાહેર થતાંની સાથે જ હોટેલ્સમાં રૂમ બુક ફૂલ થઈ ગયા છે તો કેટલીક હોટલના ભાડા 4થી 5 ગણા વધી ગયા છે. જેને લઇને ભારત બહારથી આવતા ક્રિકેટ પ્રેમીઓએ હોસ્પિટલમાં રૂમ બુક કરાવ્યા છે. 14 ઓકટોબરે હોસ્પિટલમાં બોડી ચેક અપ કરાવી બહારથી આવેલા લોકો મેચ જોવા જશે.
બોપલ સાનિધ્ય હોસ્પિટલના ડોક્ટર પારસ શાહે જણાવ્યું કે, 14 ઓકટોબરે ભારત પાકિસ્તાનની મેચ છે. જેને લઈને સતત ઇન્કવાયરી આવી રહી છે. સામાન્ય દિવસમાં ફાઈવ સ્ટાર હોટલના રૂમ 5થી 10 હજાર રૂપિયા સુધીમાં મળતા હોય તે 50 હજારથી 2 લાખ રૂપિયા સુધી ભરવા છતાં રૂમ મળતા નથી.
તેથી ક્રિકેટ રસિયાઓએ વચલો રસ્તો કાઢીને હોસ્પિટલમાં રહેવા નિર્ણય કર્યો, જેથી હેલ્થ ચેકઅપ પણ થઈ જાય અને મેચ પણ જોવાઈ જશે. તો બીજી તરફ વિદેશમાં બોડી ચેકઅપનો ખર્ચો પણ વધારે આવે છે, તેવામાં અમદાવાદમાં ઓછા ખર્ચે બોડી ચેકઅપ કરાવી લેવાનું અને મેચ પણ જોઈ લેવાની, આમ લોકો એક કાંકરે બે પક્ષીનો શિકાર કરી રહ્યાં છે.
14 ઓકટોબરએ મેચ છે, જેના માટે આફ્રિકા, USA અને UKથી મોટા સંખ્યામાં લોકો મેચ જોવા આવવાના છે. અડધી રાત્રે ક્રિકેટ રસિયાઓ અમદાવાદ પહોંચશે, તો હોસ્પિટલ એમબ્યુલન્સ કે હોસ્પિટલ ગાડી દ્વારા પીકઅપ કરવામાં આવશે.
હોસ્પિટલમાં લાવ્યા બાદ વહેલી સવારે 6 વાગે મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવશે. મેડિકલ ચેકઅપ બાદ બપોરે મેચ જોવા જશે. મેચ જોયા બાદ મોડી રાતે ફરીથી હોસ્પિટલમાં આવીને રોકશે. હોસ્પિટલથી 15 ઓકટોબરે ફરીથી એરપોર્ટ જશે.
હોસ્પિટલમાં રૂમ માટે અલગ-અલગ પેકેજ રાખવામાં આવ્યા છે. 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીના અલગ અલગ રૂમ છે. દરેક રૂમમાં એક દર્દી સાથે દર્દીના એક સગા માટે બેડ રાખવામાં આવ્યો છે. દર્દી માટેનું ડાયટ ખાવાનું મળશે અને દર્દીના સગા માટે રેગ્યુલર ખવાનું મળશે. આમ ઓછા પૈસામાં વધુ વ્યવસ્થા સાથે મેચની પણ મજા માણવાનો જૂગાડ લોકોએ કરી દીધો છે.