છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન સનાતન ધર્મ પર વિવાદિત નિવેદનથી ચર્ચામાં છે. ત્યારે હવે જાણીતા અભિનેતા અને રાજકારણી કમલ હાસને ઉદયનિધિનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે સનાતન વિવાદ પર એક છોકરાને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. કમલ હાસને કહ્યું કે આપણને સનાતન વિશે પરિયાર દ્વારા જાણ થઈ હતી.
કમલ હાસને શું કહ્યું?
એક કાર્યક્રમ દરમિયાન કમલ હાસને કહ્યું કે, “એક છોકરાને કારણ વગર નિશાન બનાવવામાં આવી રહ્યો છે, કેમ કે તેણે માત્ર સનાતન પર પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેના પૂર્વજો પણ સનાતન પર બોલ્યા છે. પેરિયારે જ આપણને સનાતન વિશે જણાવ્યું છે. કમલ હાસને કહ્યું કે પરિયાર એક સમયે મંદિરમાં પૂજા કરતા હતા અને તિલક પણ કરતા હતા.”
કમલ હાસને કહ્યું કે “પેરિયાર, એક સમયે વારાણસીના મંદિરમાં રહેતા હતા અને ત્યાં પૂજા પાઠ કરતા હતા અને તિલક પણ કરતા હતા. તેના અંદર કેટલો રોષ હશે કે તેણે બધાનો ત્યાગ કરી લોકોની સેવા કરવાનું કામ કર્યું એનું અનુમાન લગાવી શકાય છે. તેઓને અનુભવ થયો કે લોકોની સેવા જ સૌથી મોટી સેવા છે. પોતાના અંતિમ દિવસોમાં પણ તેઓ સમાજ માટે જીવ્યા. તેઓએ કહ્યું કે ડીએમકે કે કોઈ અન્ય પાર્ટી એવો દાવો ન કરી શકે કે પરિયાર તેઓના છે, પરંતુ આખુ તમિલનાડુ રાજ્ય તેઓને પોતાના માને છે.”
ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર થયો હતો હોબાળો
આપને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં તમિલનાડુના ડીએમકે સરકારના મંત્રી અને સીએમ સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મનો નાશ કરવાનું કહ્યું હતુ. તેઓએ સનાતન ધર્મને ડેન્ગ્યુ, મલેરિયા ગણાવ્યો હતો. સ્ટાલિને કહ્યું કે કેટલીક બાબતોનો વિરોધ નહિ પણ તેનો નાશ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મલેરિયા કે કોરોનાનો વિરોધ નહિ પણ નાશ કરવો પડે છે, તેવી રીતે સનાતન ધર્મનો પણ નાશ કરી દેવો જોઈએ. તેણે કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિ સ્ટાલિનના આ નિવેદન પર ભારે હોબાળો થયો હતો.